લંડનઃ વિવિધ બિયરને ચાખવા ૫૦ વર્ષથી બિયરપ્રેમી રોબ કોકરે યુકેમાં ૧૧,૦૦૦ પબ એને એલહાઉસીસની મુલાકાત લેવાનો વિક્રમ બનાવ્યો છે. ૬૮ વર્ષીય કોકર લગભગ ૫૦ વર્ષથી વિવિધ સ્થળોએ પબ કે ધર્મશાળાની મુલાકાત લે છે. તેણે ગ્રેટર માન્ચેસ્ટરના સ્ટેન્ડિશમાં આલ્બિયોન એલ હાઉસની મુલાકાત લીધી તે સાથે ૧૧,૦૦૦ મુલાકાત પૂર્ણ કરી હતી. તે પબ કે બારની મુલાકાત લેવા ટ્રેન દ્વારા પ્રવાસ કરે છે અને દિવસમાં ૧૪થી ૧૬ પબમાં જઈ બિયરની મોજ માણે છે.
નિવૃત્ત પેરોલ ઓફિસર રોબ કોકરે ઈંગ્લેન્ડમાં લગભગ બધા બિયર બારમાં બિયર પીધો છે. તે કહે છે કે,‘એક જ જગ્યાએ બિયર પીવાનું મને ગમતું નથી. હું આંકડાશાસ્ત્રી જેવું કરું છું. હું જ્યાં બિયર પીઉં છું તેનું નામ સિગરેટનાં ખોખાંની પાછળ નોંધી રાખું છું અને ડાયરી પણ રાખું છું. મેં અત્યાર સુધી જે બિયર શોપની મુલાકાત લીધી ન હતી ત્યાં જવાનું શરૂ કર્યું જેમાંથી ૯૮થી ૯૯ ટકા CAMRA પબ્સ છે.’
ફૂટબોલની રમતના શોખીન રોબ પોતાના હોમટાઉનની ક્લબ સ્ટોક સિટીના સમર્થક છે. રોબની બિયર સિઝન માર્ચ મહિનામાં શરૂ થાય છે. તેઓ અડધો બિયર ગટગટાવે છે અને બીજી પબ માટે નીકળી પડે છે. આખા દિવસમાં તેઓ આઠથી નવ પિન્ટ બિયર પીએ છે. ઘણા લોકો માટે માટે રોબ પાગલ છે તો ઘણા પબમાલિકો તેમને ગામની બીજી પબ્સમાં લઈ જાય છે.
રોબની ૬૩ વર્ષીય પત્ની લીન કહે છે કે ‘આ તો તેમના માટે આજીવન તપસ્યા જેવું છે. હું તો તેનાથી ટેવાઈ ગઈ છું. હું ઘણી વખત તેમની સાથે હોઉં છું પણ તેમના જેટલું નહિ.’