ઉત્તર ઇંગ્લેન્ડના હલ ખાતે આવેલી હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલ દ્વારા 'ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયન્સ'નો અભ્યાસ કરનાર એલેક્ઝાન્ડ્રા પુફ્લીયા નામની ૨૨ વર્ષની રોમાનીયન યુવતીને રૂપજીવીની સમજી હોટેલમાં અોનલાઇન બુક કરાવેલ રૂમ આપવાની ના કહેવાઇ હતી. જોકે તે યુવતીએ પોલીસની મદદ લઇ સામનો કરતા હોટેલના મેનેજર યુવતીની બીનશરતી માફી માંગી તેને એક વિકેન્ડ માટે હોટેલમાં રહેવા જમવા માટે રૂમની સવલત ભેટ આપવામાં આવી હતી.
એલેક્ઝાન્ડરા જ્યારે હોટેલ પર પહોંચી હતી ત્યારે હોટેલ સ્ટાફે તેની અોળખ માંગી હતી. જેને આધારે તે રોમાનીયન નાગરીક હોવાનુંજણાતા હોટેલ સ્ટાફે 'અમે રોમાનીયનને રૂમ આપતા નથી' તેમ કહી રૂમ આપવાની ના પાડી દીધી હતી. ભૂતકાળમાં એક રોમાનીયન મહિલાએ વેશ્યાવૃત્તી કરવા માટે રૂમ ભાડે રાખ્યો હોવાની જાણ થયા બાદ હોટેલ સત્તાવાળાઅોએ નિયમ બનાવ્યો હતો કે હવે તકેદારી રાખવી.
એલેક્ઝાન્ડ્રાને અન્ય ગ્રાહકોની હાજરીમાં જ રૂમ માટે ના કહેવાતા તે શરમજનક હાલતમાં મૂકાઇ ગઇ હતી. પોલીસની દરમિયાનગીરીને કારણે હવે હોટેલ મેનેજર પોતાની નીતિમાં ફેરબદલ કરનાર છે.