લંડનઃ ભારતીય વાયુસેનાના ત્રણ પાયલટની ટીમ રોયલ એર ફોર્સના યુવા પાયલટ્સને તાલીમ આપવા માટે યુકે પહોંચશે. આગામી 10 દિવસમાં યુકે પહોંચ્યા બાદ આ ટીમ વેલ્સ સ્થિત બ્રિટિશ જેટ પાયલટ્સના મુખ્ય તાલીમ કેન્દ્ર રોયલ એર ફોર્સ વેલી ખાતે તૈનાત થશે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય લાયકાત ધરાવતા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ આરએએફ વેલી ખાતે બ્રિટિશ પાયલટ્સને તાલીમ આપશે. આ તૈનાતી શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે રહેશે.
ભારતીય વાયુસેનાના આ ઇન્સ્ટ્રક્ટર્સ હોક ટી2 એરક્રાફ્ટ પર તાલીમ આપશે. આ એ જ વિમાન છે જેનો ઉપયોગ ભારતીય અને બ્રિટિશ વાયુસેનાઓ પોતાના ફાઇટર પાયલટ્સના અંતિમ તાલીમ મોડ્યુલ માટે કરે છે, જેના આધારે તાલીમાર્થી મુખ્યધારાના ઝડપી અને ભારે લડાયક વિમાનો ઉડાડવા માટે તૈયાર થાય છે. યુકેની વિવિધ સૈન્ય અકાદમીઓ ભારતીય અધિકારીઓને ઇન્સ્ટ્રક્ટર તરીકે હોસ્ટ કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં રોયલ એર ફોર્સ કૉલેજ ક્રેનવેલ ખાતે પણ એક આઇએએફ અધિકારીને ઇન્સ્ટ્રક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

