લંડનઃ રોયલ મેઇલ તેની કામગીરી સુધારવામાં ફરી એકવાર નિષ્ફળ નિવડી છે. કામગીરી વધુ કથળતાં રોયલ મેઇલ ફરી એકવાર ડિલિવરી લક્ષ્યાંકો હાંસલ કરી શકી નથી. બીજા ક્વાર્ટરમાં રોયલ મેઇલ માત્ર 82.5% ફર્સ્ટ-ક્લાસ અને 87.2% સેકન્ડ-ક્લાસ પત્રો જ સમયસર પહોંચાડી શકી છે, જે નિયમનકારી સંસ્થા ઓફકોમ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકો કરતાં ઘણાં ઓછાં છે.
કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા વહીવટી ફેરફારો કે જેમાં શનિવારે સેકન્ડ-ક્લાસ પત્રોની ડિલિવરી બંધ કરવી અને 2027 સુધીમાં 2500 જેટલી સપોર્ટ નોકરીઓમાં કાપ મૂકવાનો સમાવેશ થાય છે તેની વચ્ચે કામગીરીમાં આ ઘટાડો નોંધાયો છે.
સુરક્ષા સંસ્થા સિટિઝન્સ એડવાઈસે ચેતવણી આપી છે કે રોયલ મેઇલ સતત દસમા વર્ષે પણ તેના ફર્સ્ટ-ક્લાસ ડિલિવરી લક્ષ્યાંકો ચૂકવા જઈ રહી છે. સંસ્થાએ ઓફકોમને આગામી સમયમાં ટપાલ ટિકિટના ભાવવધારા પર રોક લગાવવા અનુરોધ કર્યો છે.
પત્રોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં પાર્સલ વોલ્યુમમાં 8% ના ઉછાળાને કારણે પેરેન્ટ કંપની 'IDS' એ સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં રોયલ મેઇલની આવકમાં 3.9% ના વધારા સાથે 4.1 બિલિયન પાઉન્ડની કમાણી કરી છે.


