લંડનઃ રોયલ મેઇલ ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ પોસ્ટના વિતરણ લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતા સરકાર તરફથી આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. વિલંબિત સેવાઓને કારણે સંસ્થા સામે કડક પગલાં લેવા અને તેના વરિષ્ઠ સંચાલકોને જવાબદાર ઠેરવવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે.
સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે રોયલ મેઇલની સેવાઓની ગુણવત્તા પૂરતી યોગ્ય રહી નથી. ઓફકોમ અને કંપની સાથે સરકાર આ મુદ્દે ચર્ચા કરી ચૂકી છે. ગ્રાહકો માટે મહત્વના સમાચાર એ છે કે નિયમો અનુસાર, ચોક્કસ પરિસ્થિતિઓમાં વિલંબિત ટપાલ માટે રોયલ મેઇલ વળતર ચૂકવવા બંધાયેલી છે.
કયા સંજોગોમાં વળતર મળી શકે
- નિયત તારીખ પછી 3 કે તેથી વધુ કામકાજના દિવસો સુધી ડિલિવરી ન થઈ હોય (રીડાયરેક્શન સેવા સિવાય).
- રોયલ મેઇલ રીડાયરેક્શન સેવાનો ઉપયોગ કર્યો હોય અને નિયત તારીખ પછી 6 કે તેથી વધુ કામકાજના દિવસોનો વિલંબ થયો હોય.
- ગેરેંટેડ સેવામાં નિયત સમય પછી 24 કે તેથી વધુ કલાકનો વિલંબ થયો હોય.
- જો ટપાલ નિયત તારીખથી 7 કે તેથી વધુ કામકાજના દિવસો સુધી ન પહોંચે, તો ગ્રાહક વળતર મેળવવા માટે હકદાર બની શકે છે.


