લંડનઃ રોયલ મેઇલ દ્વારા આગામી મહિનાથી ફરી એકવાર ફર્સ્ટક્લાસ અને સેકન્ડક્લાસ ટિકિટની કિંમતમાં 10 પેન્સનો વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં ટપાલ ટિકિટની કિંમતમાં ચોથી વાર થઇ રહેલા વધારાના પગલે ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત 1.35 પાઉન્ડ અને સેકન્ડ ક્લાસ ટપાલ ટિકિટની કિંમત 85 પેન્સ પર પહોંચશે.. આ ભાવવધારો બીજી એપ્રિલથી લાગુ થશે. માર્ચ 2022માં ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત 85 પેન્સ અને સેકન્ડ ક્લાસ ટિકિટની કિંમત 66 પેન્સ હતી.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, ખર્ચમાં વધારો, કર્મચારીઓના પગારમાં વધારો, ઘટતા જતા પત્રો અને સુધારાના અભાવે કિંમતમાં વધારો કરવાની ફરજ પડી રહી છે પરંતુ અમે શક્ય એટલો ઓછો વધારો કરી રહ્યાં છીએ. 2004માં 20 બિલિયન પત્રોની ડિલિવરી થતી હતી જેની સામે 2022માં તે ઘટીને 7 બિલિયન પર આવી ગયાં છે. તેની સામે સરનામાની સંખ્યામાં 4 મિલિયનનો વધારો થયો છે.
આજે એક સરેરાશ પુખ્ત વર્ષના 7 પાઉન્ડ કરતાં પણ ઓછા ટપાલ પાછળ ખર્ચે છે અને સપ્તાહમાં સરેરાશ બે જ પત્રો મેળવે છે. રોયલ મેઇલના ચીફ કોમર્શિયલ ઓફિસર નિક લેન્ડને જણાવ્યું હતું કે, અમે હંમેશા કિંમતમાં વધારાનો નિર્ણય કાળજીપુર્વક લઇએ છીએ. તાજેતરના વર્ષોમાં ટપાલનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે પરંતુ સામે ખર્ચમાં મોટો વધારો પણ થયો છે. તેના કારણે પોસ્ટની ડિલિવરીના ખર્ચમાં પણ વધારો થયો છે. તેમ છતાં યુરોપના દેશોની સરખામણીમાં આપણી ટપાલ ટિકિટોની કિંમત ઓછી છે.


