લંડનઃ રોયલ મેઇલ લેટર્સની ડિલિવરીના સ્થાને પાર્સલની ડિલિવરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેના કારણે સપ્તાહો સુધી લેટર્સ પોસ્ટલ ડેપોમાં જ પડ્યાં રહે છે. રોયલ મેઇલના પોસ્ટલ સ્ટાફનો આરોપ છે કે રોજિંદા ધોરણે લેટરની ડિલિવરી પ્રભાવિત થઇ રહી છે અને પાર્સલની ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રોયલ મેઇલ કટોકટીમાંથી પસાર થઇ રહી છે.
હજારો લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે લેટર્સની ડિલિવરીમાં વિલંબના કારણે તેઓ હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ ગુમાવી રહ્યાં છે. રોયલ મેઇલનું કહેવું છે કે અમે અમારા ગ્રાહકોને આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે સુનિયોજિત રીતે લેટર્સની ડિલિવરી કરી રહ્યાં છીએ. સમયસર પોસ્ટ ન મળવાના કારણે કેવી તકલીફ થાય છે તે અમે સમજી શકીએ છીએ.
લોકોની ફરિયાદ છે કે ફર્સ્ટ ક્લાસ મેઇલની ડિલિવરીમાં પણ દિવસોનો વિલંબ થઇ રહ્યો છે. લોકોને સ્કૂલ સર્ટિફિકેટ અને બેન્ક સ્ટેટમેન્ટ પણ સમયસર મળી રહ્યાં નથી.
રોયલ મેઇલના પોસ્ટમેનનો આરોપ છે કે વિલંબ ઓફિસમાં જ થઇ રહ્યો છે. લેટર્સને સ્થાને પાર્સલની ડિલિવરીને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


