રોયલ મેઇલ દ્વારા શનિવારે ડિલિવરી બંધ કરાય તેવી સંભાવના

ઓફકોમ દ્વારા ટૂંકસમયમાં રોયલ મેઇલમાં સુધારાની જાહેરાત કરાશે

Tuesday 23rd January 2024 11:16 EST
 
 

લંડનઃ રોયલ મેઇલ દ્વારા શનિવારે પોસ્ટ ડિલિવરી બંધ કરાય તેવી સંભાવના છે. પોસ્ટલ સેવાઓમાં સુધારા માટેની ઓફકોમની સમીક્ષાના ભાગરૂપે રોયલ મેઇલને શનિવારે પોસ્ટ ડિલિવરી બંધ કરવાની પરવાનગી મળી શકે છે. ગ્રાહકોની જરૂરીયાતોને સંતોષવા માટે રોયલ મેઇલ કેવા બદલાવ લાવી શકે છે તે અંગેના વિકલ્પોની જાહેરાત ઓફકોમ દ્વારા આગામી સપ્તાહમાં કરાશે. જોકે આ વિકલ્પ કેવા પ્રકારના રહેશે તે અંગે ટિપ્પણી કરવાનો ઓફકોમે ઇનકાર કરી દીધો હતો.

રોયલ મેઇલને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં 319 મિલિયન પાઉન્ડની ખોટ ગઇ છે. રોયલ મેઇલમાં સુધારા માટે 2020થી માગ થઇ રહી છે. અગાઉ એમ જણાવવામાં આવ્યું હતું કે, રોયલ મેઇલ ફાઇવ ડે અ વીકનો વિકલ્પ અપનાવી શકે છે.

ઓફકોમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોની જરૂરીયાતો પૂરી કરવા માટે રોયલ મેઇલમાં કેવા પ્રકારના સુધારા કરવા જોઇએ તેની જાહેરાત આગામી સપ્તાહમાં કરાશે. રોયલ મેઇલની સેવાઓ સુધારવા માટે કેવા પ્રકારના સુધારાની જરૂર છે તેનો નિર્ણય સરકાર અને સંસદે લેવાનો છે.

રોયલ મેઇલ સામે જનતામાં પ્રવર્તતો ઉગ્ર આક્રોશ

રોયલ મેઇલ દ્વારા શનિવારે પત્રો અને પાર્સલની ડિલિવરી બંધ કરવાની પ્રસ્તાવિત યોજના સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. રોયલ મેઇલ દ્વારા સોમથી શનિ સુધી ડિલિવરી કરાતી હોવા છતાં પત્રો અને પાર્સલ મળવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે. દર્દીઓને એપોઇન્ટમેન્ટ જતી રહે ત્યાર પછી તો તેની જાણ કરતા પત્રો મળે છે. અગત્યની નોટિસ અને બિલના પત્રોમાં પણ ભારે વિલંબ થઇ રહ્યો છે ત્યારે જો શનિવારે પણ ડિલિવરી બંધ કરાશે તો સ્થિતિ કેટલી ગંભીર બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter