રોયલ મેઇલ દ્વારા હવે પાર્સલ લોકર સિસ્ટમ શરૂ કરાશે

કસ્ટમર્સ સુવિધા પ્રમાણે પાર્સલ લોકરમાંથી ડિલિવરી મેળવી શકશે

Wednesday 03rd January 2024 08:49 EST
 
 

લંડનઃ રોયલ મેઇલ દ્વારા હવે પાર્સલ લોકર સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે જેમાં કસ્ટમર પાર્સલની ડિલિવરી ન લે ત્યાં સુધી તેના પાર્સલને લોકરમાં રખાશે. આ પ્રકારની સુવિધા યુએસ સ્થિત ઇ-કોમર્સ કંપની અને અન્ય સ્પર્ધક કંપનીઓ દ્વારા પણ અપાય છે તેમ ચીફ કોમર્શિયલ ઓફિસર નિક લેન્ડને જણાવ્યું હતું.

ઓનલાઇન શોપિંગ ડિલિવરી માટેની 24 કલાકની સેવાઓની વધી રહેલી માગને પહોંચી વળવા 507 વર્ષ જૂની પોસ્ટલ સર્વિસ દ્વારા આ પ્રસ્તાવો પર કામ ચાલી રહ્યું છે. આમ તો રોયલ મેઇલ યુકેની સૌથી મોટી ડિલિવરી સેવાઓ આપતી કંપની છે પરંતુ તેના કર્મચારીઓએ બદલાતા માર્કેટની સાથે કામની પદ્ધતિ બદલવાની યોજનાઓનો વિરોધ કર્યા બાદ કંપની માર્કેટમાં પોતાનો હિસ્સો ગુમાવી રહી છે.

આ લોકર સુવિધા કસ્ટમર્સને તેમની સુવિધા પ્રમાણે ઓનલાઇન ખરીદી કરેલ વસ્તુના પાર્સલ મેળવવામાં મદદ કરશે. તેમને ઘર આંગણે ડિલિવરી માટે રાહ જોવાની જરૂર રહેશે નહીં. તેના કારણે રોયલ મેઇલને પાર્સલની ડિલિવરી માટે પોતાના કર્મચારીઓ પર પણ આધારિત રહેવું પડશે નહીં. છેલ્લા કેટલાક સમયથી પાર્સલ અને પત્રોની ડિલિવરીમાં ચાલી રહેલા ધાંધિયાના કારણે રોયલ મેઇલની આકરી ટીકા થઇ રહી છે.

લેન્ડને જણાવ્યું હતું કે, હવે કસ્ટમર્સ અને શિપર્સ પણ મોટાભાગે પાર્સલ લોકર પર આધાર રાખી રહ્યાં છે. રોયલ મેઇલે પણ માર્કેટની જરૂરીયાત પ્રમાણે કામગીરી સુનિશ્ચિત કરવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter