લંડનઃ રોયલ મેઇલની સેવાઓમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી પરંતુ ટપાલ ટિકિટના ભાવ કૂદકે અને ભૂસકે વધારવામાં આવી રહ્યાં છે. 7 એપ્રિલથી રોયલ મેઇલની ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ માટે 5 પેન્સના વધારા સાથે 1.70 પાઉન્ડ અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ માટે 2 પેન્સના વધારા સાથે 87 પેન્સ ચૂકવવા પડશે. કંપનીએ જણાવ્યું છે કે ટપાલ પહોંચાડવાના ખર્ચમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં આ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે.
સિટિઝન્સ એડવાઇઝે આ ભાવવધારાને ગ્રાહકો માટેનો વધુ એક ફટકો ગણાવ્યો છે. સેકન્ડ ક્લાસ સ્ટેમ્પમાં ભાવવધારો તો તદ્દન અન્યાયી છે. રોયલ મેઇલના બિઝનેસમાં પણ ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. 2004-05માં રોયલ મેઇલ દ્વારા 20 બિલિયન ટપાલનું વિતરણ કરાયું હતું જેની સામે આ સંખ્યા 2024માં ઘટીને 6.6 બિલિયન પર આવી ગઇ હતી. રોયલ મેઇલ દ્વારા સ્ટેમ્પની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. 2022થી અત્યાર સુધીમાં રોયલ મેઇલ ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 6 વાર વધારો કરી ચૂકી છે તેથી તેની કિંમત 85 પેન્સથી વધીને હવે 1.70 પાઉન્ડ પર પહોંચી છે.
રોયલ મેઇલના ચીફ કોમર્શિયલ ઓફિસર નિક લેન્ડને જણાવ્યું હતું કે, અમે બહુ કાળજી રાખીને કિંમતમાં વધારો કરીએ છીએ પરંતુ ટપાલ પહોંચાડવાના ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે. અમે સમગ્ર દેશમાં 87 પેન્સમાં જ ટપાલ પહોંચાડીએ છીએ.
સિટિઝન્સ એડવાઇઝે જણાવ્યું હતું કે, એકતરફ ટપાલ પહોંચવામાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે ત્યારે લોકોના ખિસ્સા પરનો બોજો વધારી દેવાયો છે. રેગ્યુલેટર ઓફકોમ રોયલ મેઇલની સેકન્ડ ક્લાસ ટપાલની ડિલિવરી ઓલ્ટરનેટ વીક ડે કરવાની તૈયારી કરી રહી છે ત્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં વધારો અન્યાયી છે.
ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત તો આસમાને પહોંચી છે. લોકોને હવે તેની કિંમત પોષાય તેવી રહી નથી તેથી તેઓ હવે સેકન્ડ ક્લાસ પોસ્ટની પસંદગી કરવા મજબૂર બનશે.