લંડન
રોયલ મેઇલની ડિલિવરી ઓફિસોમાં કર્મચારીઓને કામ કરવામાં કોઇ રસ રહ્યો નથી. કેટલાક કર્મચારીઓએ ટપાલની ડિલિવરી કરવાનું જ બંધ કરી દીધું છે જેના કારણે પત્રો અને પાર્સલોના ઢગલા સર્જાઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનાથી રોયલ મેઇલ અને તેના કર્મચારીઓ વચ્ચે પગાર વધારાના મુદ્દે ટકરાવ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં રોયલ મેઇલના કર્મચારીઓ ઘણી હડતાળો પણ પાડી ચૂક્યાં છે.
એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ કે, બદલાવોના કારણે રોયલ મેઇલની નોકરી શારીરિક અને માનસિક રીતે નીચોવી નાખનારી બની રહી છે. બીજા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, નોકરીની માગો પૂરી કરવા માટે કર્મચારીઓ સંઘર્ષ કરી રહ્યાં છે અને તેના કારણે ટપાલના ઢગલા સર્જાઇ રહ્યાં છે.
આ સપ્તાહમાં ફરી એકવાર વેતનના મામલે કર્મચારી યુનિયન અને રોયલ મેઇલના અધિકારીઓ વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં વધુ હડતાળો તોળાઇ રહી છે. યુનિયને જણાવ્યું છે કે અમે આગામી પગલાં માટે તમામ ઉપલબ્ધ વિકલ્પો પર વિચારણા કરી રહ્યાં છીએ. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, યુનિયન સાથેની મંત્રણા નિષ્ફળ જતાં અમે ઘણા ચિંતિત છીએ. જો હવે વધુ હડતાળ પાડવામાં આવશે તો કંપનીએ વધુ કડક પગલાં લેવા પડશે.
2023ના પ્રારંભથી કર્મચારીઓને ડિલિવરી માટે વધુ ટપાલ આપવામાં આવી રહી છે અને તેમને તેમનો રાઉન્ડ પૂરો થયા બાદ ક્લોક ઓફ કરવાની પરવાનગી પણ અપાતી નથી. એમ માનવામાં આવે છે કે પાર્સલ ડિલિવરીની ઊંચી માગ, કર્મચારીઓની અછત અને અગાઉની હડતાળોના કારણે વધી ગયેલા બેક લોગને કારણે કર્મચારીઓને વધુ ટપાલ ડિલિવરી માટે આપવામાં આવી રહી છે.
એક કર્મચારી કહે છે કે હું ઝડપથી મારું કામ પતાવી દેતો હતો પરંતુ હવે વધુ ટપાલ આપવામાં આવશે તેવા ડરથી હું ધીમે ધીમે મારું કામ કરું છું.


