રોયલ મેઇલના દોઢ લાખ કર્મચારીઓની હડતાળથી કામકાજ ઠપ

ઓક્ટોબરમાં વધુ 3 દિવસ હડતાળનું આયોજન, ડિલિવરીમાં વિલંબ થશે

Wednesday 19th October 2022 04:21 EDT
 
 

લંડન

13મી ઓક્ટોબરથી રોયલ મેઇલના કર્મચારીઓએ તેમની 19 હડતાળો પૈકીની પહેલી હડતાળનો પ્રારંભ કર્યો છે. પગાર અને કામની શરતો અંગેના મતભેદોના નિવારણની માગ સાથે શરૂ કરાયેલી આ હડતાળમાં કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયનના 1,15,000 કર્મચારી સામેલ થયાં હતાં. યુનિયનના જનરલ સેક્રેટરી ડેવ વોર્ડે જણાવ્યું હતું કે, રોયલ મેઇલના ઇતિહાસમાં કર્મચારીઓ તેમની નોકરીઓ પર સૌથી મોટા હુમલાનો સામનો કરી રહ્યાં છે. 13 ઓક્ટોબર પછી હવે રોયલ મેઇલના કર્મચારીઓ 20,25 અને 28 ઓક્ટોબરના રોજ હડતાળ પર જશે. જેના કારણે હડતાળના દિવસોએ પત્રોની ડિલિવરી નહીં કરાય અને પાર્સલ પહોંચવામાં વિલંબ થઇ શકે છે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, કર્મચારીઓની હડતાળના કારણે આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. ઉનાળા પછી રોયલ મેઇલના કર્મચારીઓની આ છઠ્ઠી હડતાળ હતી. યુનિયનનો આરોપ છે કે રોયલ મેઇલ માળખાકીય બદલાવ કરી રહી છે જેના કારણે કર્મચારીઓની નોકરીઓ અસુરક્ષિત બની જશે. રોયલ મેઇલ કર્મચારીઓના સિક પેમાં ઘટાડો કરવા, ટપાલની ડિલિવરીમાં 3 કલાકનો વધારો કરવા અને નવા કર્મચારીઓ માટે અસંગત શરતો લાગુ કરવાના પ્રયાસો કરી રહી છે.

રોયલ મેઇલ 10,000 કર્મચારીઓની છટણી કરશે

રોયલ મેઇલે જણાવ્યું છે કે કર્મચારીઓની હડતાળો અને બિઝનેસમાં સતત ઘટાડાના કારણે થઇ રહેલા નુકસાનને ભરપાઇ કરવા આગામી ઓગસ્ટ સુધીમાં 10,000 કર્મચારીઓની છટણી કરાશે. હડતાળો અને પાર્સલોની સંખ્યામાં સતત ઘટાડાના કારણે આ પગલું લેવાઇ શકે છે. માર્ચ સુધીમાં 6000 જેટલાં ફ્રન્ટલાઇન કર્મચારીઓની છટણી થઇ શકે છે. હાલ રોયલ મેઇલમાં 1,40,000 કરતાં વધુ કર્મચારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter