રોયલ મેઇલના ધાંધિયા, જનતા ત્રાહિમામ

કેટલાક વિસ્તારમાં પખવાડિયામાં એકવાર ટપાલની ડિલિવરી, વિલંબના કારણે દંડાતી જનતા

Tuesday 16th May 2023 13:28 EDT
 
 

લંડનઃ રોયલ મેઇલ દ્વારા પરા વિસ્તારોમાં ટપાલની ડિલિવરીમાં વ્યાપક ધાંધિયા ચાલી રહ્યાં છે. પરા વિસ્તારોમાં રહેતા લોકોની ફરિયાદ છે કે તેમના વિસ્તારમાં રોયલ મેઇલ દ્વારા પખવાડિયામાં માંડ એકવાર પોસ્ટની ડિલિવરી કરાય છે. કર્મચારીઓની ભારે છત, વારંવાર પડાતી હડતાળો અને કામ કરવાની પદ્ધતિઓમાં ફેરફારોના કારણે લોકોની ટપાલો અટવાઇ રહી છે. રોયલ મેઇલના ઉચ્ચ અધિકારીઓ આ અંધાધૂંધીનો ઉકેલ લાવવા પ્રયાસનો દાવો કરી રહ્યાં છે.

ટપાલની સમયસર ડિલિવરી ન થવાના કારણે ઘણા લોકોને હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ ગુમાવવી પડે છે. સ્પીડ અને પાર્કિંગના દંડ ભરવામાં વિલંબ થાય છે. રોયલ મેઇલના ધાંધિયાના કારણે પરિવારોને ભોગવવું પડે છે.

રોયલ મેઇલના જ આંકડા દર્શાવે છે કે તેનું એન્યુઅલ ડિલિવરી પર્ફોર્મન્સ રેકોર્ડ તળિયાના સ્તરે પહોંચી ગયું છે. રોયલ મેઇલના જ કર્મચારીઓ વિસ્તારોને પોસ્ટલ ડેઝર્ટ તરીકે ઓળખાવી રહ્યાં છે. એવા ડઝનો વિસ્ચાર છે જ્યાં ટપાલની ડિલિવરીમાં ભારે વિલંબ થઇ રહ્યો છે. પરિવારોને તેમની અગત્યની ટપાલો મેળવવા માટે સોર્ટિંગ કર્મચારીઓ સુધી પહોંચવાની ફરજ પડી રહી છે. સરેમાં તો પોસ્ટલ વાનની અછતના કારણે ટપાલની ડિલિવરીમાં વિલંબ થઇ રહ્યો છે.

ઓફકોમે રોયલ મેઇલ સામેની ફરિયાદોની તપાસ શરૂ કરી

પત્રોની ડિલિવરીમાં થઇ રહેલા ભારે વિલંબની ફરિયાદોને પગલે ઓફકોમે રોયલ મેઇલની કામગીરીમાં ઊંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે. રોયલ મેઇલને જતી ખોટમાં ઘટડો કરવા ટપાલીઓને પત્રોને સ્થાને વધુ કમાણી કરી આપતા પાર્સલની ડિલિવરીને પ્રાથમિકતા આપવાની સૂચના ટપાલીઓને અપાતી હોવાના દાવાની પણ ઓફકોમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. સાંસદોની એક કમિટી દ્વારા અપાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોયલ મેઇલની ઓફિસોમાં મેનેજમેન્ટ દ્વારા ટપાલીઓને પાર્સલની ડિલિવરીને પ્રાથમિકતા આપવા દબાણ કરાય છે. જોકે રોયલ મેઇલે આ આરોપો નકારી કાઢ્યા છે. મંત્રીઓની સમિતિને પત્રોની ડિલિવરી માટે રોયલ મેઇલ દ્વારા અપાયેલા જવાબોથી સંતોષ થયો નહોતો તેથી તેમણે પુરાવા રજૂ કરવા કહેતાં રોયલ મેઇલને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.

કાયદા પ્રમાણે સપ્તાહમાં 6 દિવસ પત્રોની ડિલિવરી ફરજિયાત

કાયદા પ્રમાણે સમગ્ર યુકેમાં સપ્તાહના 6 દિવસ ટપાલની ડિલિવરી કરવી ફરજિયાત છે તેમ છતાં ટપાલીઓને દર આંતરા દિવસે ટપાલની ડિલિવરી કરવા કહેવાય છે. મંત્રીઓની સમિતિ પાસે આ અંગેના પુરાવા પણ ઉપલબ્ધ છે. યુકેમાં પત્રોની ડિલિવરીમાં લાંબા સમયથી ઘટાડો થઇ રહ્યો છે તેમ છતાં પત્રોમાંથી રોયલ મેઇલને 44 ટકા આવક થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter