લંડનઃ સંસદની ચૂંટણીને પણ રોયલ મેઇલના ધાંધિયા નડી રહ્યાં છે. પોસ્ટલ મિનિસ્ટરે પોસ્ટલ વોટની ડિલિવરીમાં થયેલા વિલંબ માટે રોયલ મેઇલની આકરી ટીકા કરી છે. સમગ્ર દેશમાં પોસ્ટલ વોટની ડિલિવરીમાં વિલંબને કારણે રોયલ મેઇલને મતગણતરી પહેલાં મતપત્રકો પહોંચતા કરવાનું સુનિશ્ચિત કરવા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.
પોસ્ટલ અફેર્સ મિનિસ્ટર કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, રોયલ મેઇલ સુનિશ્ચિત કરે કે મતદારો સુધી નિશ્ચિત સમયમર્યાદામાં પોસ્ટલ વોટ પહોંચે. આ રિસોર્સિંગનો મામલો છે. રોયલ મેઇલે વધારાના કર્મચારીઓ તહેનાત કર્યાં છે તેને હું આવકારું છું. મતપત્રકો સોર્ટિંગ ઓફિસોમાં પડ્યાં રહે તે સ્વીકાર્ય નથી. તે મતદારો સુધી પહોંચવા જોઇએ.
એક અખબારી અહેવાલ પ્રમાણએ 90 કરતાં વધુ સંસદીય વિસ્તારોમાં પોસ્ટલ મતપત્રકો હજુ સુધી ડિલિવર થઇ શક્યાં નથી. પરંતુ રોયલ મેઇલ કહે છે કે અમે વધારાના કર્મચારીઓ નિયુક્ત કર્યાં છે અને ગુરુવારે રાતના 10 કલાકે મતદાન પુરું થાય ત્યાં સુધીમાં તમામ પોસ્ટલ મત પત્રકો મતદાન મથકો પર પહોંચાડવાનું અમે સુનિશ્ચિત કરીશું.
રોયલ મેઇલે એવો પણ દાવો કર્યો હતો કે પોસ્ટલ મતપત્રકો પહોંચાડવાના હવે બાકી રહ્યાં નથી. જે વિસ્તારોમાંથી ફરિયાદો મળી રહી છે ત્યાં અમે તપાસ કરીને મતપત્રકો પહોંચ્યા કે નહીં તે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ. બીજીતરફ ચૂંટણી પંચે જણાવ્યું છે કે અમે મતદાન બાદ આ મામલાની તપાસ કરીશું.
રોયલ મેઇલે હવે દોષનો ટોપલો સરકાર પર ઢોળી દીધો
લંડનઃ રોયલ મેઇલે પોસ્ટલ વોટની ડિલિવરીમાં થયેલા ધાંધિયાનો દોષનો ટોપલો સરકાર પર ઢોળી દીધો છે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, તેની સિસ્ટમમાં કોઇ બેકલોગ નથી. રોયલ મેઇલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારુ નેટવર્ક તો અમારી પાસે પોસ્ટલ વોટ પહોંચે કે તરત ડિલિવર કરી રહ્યું છે. રોયલ મેઇલને બેલટ પેપર અપાયાં તે પહેલાં પોસ્ટ વોટના પ્રિન્ટિંગ અને તેને પહોંચાડવામાં કેવી રીતે આવ્યાં તેની સમીક્ષા કરવી જોઇએ. અમને વિશ્વાસ છે કે અમે મતદાનના દિવસ પહેલાંજ પોસ્ટલ વોટની ડિલિવરી કરી દઇશું. અમને કેટલીક ફરિયાદ મળી હતી અને અમે તાત્કાલિક તપાસ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે અમારી પાસે જેવા બેલેટ પેકેટ પહોંચે છે કે તરત તેની ડિલિવરી કરી દેવાય છે.


