લંડનઃ રોયલ મેઇલના ધાંધિયાનો કોઇ અંત દેખાતો નથી. રોયલ મેઇલના કર્મચારીઓ પત્રો પહોંચાડવાને બદલે પાર્સલની ડિલિવરીને પ્રાથમિકતા આપી રહ્યાં છે જેના કારણે પત્રો, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ જેવા સાપ્તાહિકો, એનએચએસ એપોઇન્ટમેન્ટ લેટર, ક્રિસમસ કાર્ડ વગેરેની ડિલિવરીમાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે.
સોમવારથી શનિવાર સુધી લેટર્સની ડિલિવરી કરવી એ રોયલ મેઇલની કાયદેસરની જવાબદારી છે. તેમ છતાં ટપાલની ડિલિવરીમાં ભારે વિલંબ થઇ રહ્યો છે. ઘણા પરિવારોની ફરિયાદ છે કે તેમને દિવસો સુધી પત્રો મળતાં નથી. રોયલ મેઇલના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે પાર્સલને પ્રાથમિકતા આપવાની અમારી કોઇ નીતિ નથી.
નવા ભરતી કરાતા કર્મચારીઓને પણ પહેલી જ ક્ષણથી જ રોયલ મેઇલની બિઝનેસ પ્રાથમિકતાનું જ્ઞાન આપવામાં આવે છે. રોયલ મેઇલના ટ્રેનિંગ કોર્સના વીડિયોમાં જણાવવામાં આવે છે કે અમે યુકે માટે કેરિયર ચોઇસ બનવા માગીએ છીએ તેથી અમે પાર્સલ ફોકસ્ડ કંપની બની રહ્યાં છીએ.
રોયલ મેઇલના આ ધાંધિયાના કારણે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના વાચકો અને લવાજમધારકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેગેઝિન ડિલિવરીમાં કરાતા વિલંબના કારણે વાચકોને અમારા અખબારો મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે.


