લંડનઃ રોયલ મેઇલ ફરી એકવાર ડિલિવરી ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. તેના કારણે રેગ્યુલેટર્સ દ્વારા દંડનું જોખમ તોળાઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં રોયલ મેઇલ 25 ટકા ફર્સ્ટક્લાસ મેઇલ સમયસર પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી જ્યારે સેકન્ડ ક્લાસ મેઇલના 98.5 ટકાના લક્ષ્યાંક સામે ફક્ત 92.2 ટકા જ સમયસર પહોંચી શકી હતી. અગાઉના બે વર્ષમાં ટાર્ગેટ હાંસલ ન કરી શકવાના કારણે રોયલ મેઇલ પર 16 મિલિયન પાઉન્ડની પેનલ્ટી કરાઇ હતી.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, અમે સિસ્ટમને આધુનિક બનાવી રહ્યાં છીએ અને તેના પરિણામ પણ મળી રહ્યાં છે પરંતુ હજુ આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે.
ઓફકોમના નિયમો અનુસાર 93 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલ એક વર્કિંગ ડેમાં ડિલિવર કરવી ફરજિયાત છે. જોકે માર્ચ 2025માં પૂરા થયેલા એક વર્ષમાં રોયલ મેઇલ ફક્ત 76.3 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલ સમયસર ડિલિવર કરી શકી હતી.
ઓફકોમે જણાવ્યું છે કે રોયલ મેઇલ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઇ છે તે નક્કી થઇ ગયા બાદ અમે તેના પર પેનલ્ટી લાદવાની વિચારણા કરીશું.