લંડનઃ રોયલ મેઇલની પોસ્ટલ ડિલિવરીના ધાંધિયાના કારણે સાઉથ લંડનમાં રહેતા અમિત મારવાહ અને તેમની બીમાર માતાને એનએચએસ એપોઇન્ટમેન્ટ લેટર મળવામાં બે મહિનાનો વિલંબ થયો હતો. મારવાહે જણાવ્યું હતું કે, રોયલ મેઇલે આ કામ છોડી દેવું જોઇએ કારણ કે તે આ રીતે લોકોને સેવા આપવામાં સક્ષમ નથી.
છેલ્લા 20 વર્ષથી હેકબ્રિજ ફ્લેટ ખાતે રહેતા મારવાહે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાથી અમને એનએચએસ એપોઇન્ટમેન્ટના લેટર મળ્યાં નથી. અમને બંનેને ડાયાબિટિસના કારણે નિયમિત રીતે હોસ્પિટલમાં જવું પડે છે. હોસ્પિટલ કહે છે કે મિસિંગ એપોઇન્ટમેન્ટની સંખ્યા વધી રહી છે. આના કારણે અમારું આરોગ્ય જોખમમાં મૂકાઇ રહ્યું છે.
મારવાહે જણાવ્યું હતું કે, એનએચએસ લેટર્સની સાથે સાથે મહત્વના ફાઇનાન્સિયલ દસ્તાવેજો પણ અમને ડિલિવર થઇ રહ્યાં નથી. અમને એ વાતની ચિંતા છે કે અત્યંત મહત્વની માહિતી અન્ય સ્થળે તો ડિલિવર થઇ રહી નથી ને.. મારી માતાને વોટર, ઇલેક્ટ્રિસિટી બિલ અને બેન્ક સ્ટેટમેન્ટ પણ મળી રહ્યાં નથી. મારા એક પાડોશી તેમના ઘેર ડિલિવર થયેલી કેટલીક પોસ્ટ અમને આપવા આવ્યા હતા. હું જ્યારે પણ પોસ્ટમેનને પુછું છું ત્યારે તે જવાબ આપે છે કે અમારી કોઇ પોસ્ટ નથી.
જોકે રોયલ મેઇલે જવાબમાં જણાવ્યું હતું કે, મારવાહના નિવાસસ્થાને નિયમિત રીતે ડિલિવરી થઇ રહી છે.