લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલની શાહી હજુ તાજી છે ત્યાં હવે રોયલ મેઇલમાં મેનેજરો દ્વારા આચરાયેલું બોનસ કૌભાંડ સામે આવ્યું છે. મેનેજરોએ વધુ બોનસ મેળવવા માટે ડિલિવરીના બનાવટી આંકડાની માયાજાળ રચી હોવાના આરોપ મૂકાયા છે. રોયલ મેઇલના મેનેજરો પોસ્ટલ કર્મચારીઓને એવી સૂચના આપતા હતા કે ભલે તમે ડિલિવરી માટે ન પહોંચો પરંતુ તમે ડિલિવરી માટે પ્રયાસ કર્યો હોવાનું દર્શાવે. પાર્સલની ડિલિવરી ન કરાઇ હોવા છતાં કસ્ટમર ઓપરેશન મેનેજરોને મિડ યર બોનસ ચૂકવાયાં હતાં. આ બોનસ રોયલ મેઇલના ડેપોમાંથી મોકલાયેલા પાર્સલની સંખ્યાના લક્ષ્યાંક હાંસલ કરવા પર ચૂકવાય છે.
રોયલ મેઇલના એક કર્મચારીએ આરોપ મૂક્યો હતો કે તેમને પાર્સલને ઇનએસેસિબલ તરીકે સ્કેન કરીને તેમને ત્રણથી ચાર વાર રિપોર્ટ કરવા કહેવાતું હતું. પાર્સલને ઇનએસેસિબલ સ્કેન કરવાથઈ કસ્ટમરને મેસેજ જાય છે કે ડિલિવરીનો પ્રયાસ કરાયો હતો અને હવે બીજા દિવસે પ્રયાસ કરાશે. જોકે પાર્સલ ડિલિવર કરવાનો કોઇ પ્રયાસ થયો હોતો નથી.
નામ નહીં આપવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું હતું કે જો હું તેમ કરવાનો ઇનકાર કરું તો હું જાણું છું કે મારી સાથે શું થશે. આ એક અનૈતિક કાર્ય છે. કસ્ટમર ઇચ્છે છે કે તેનું પાર્સલ સમયસર પહોંચે. મને આ પ્રકારના કામ કરવા ગમતાં નથી.


