રોયલ મેઇલની ડિલિવરીમાં વિલંબ અંગે પોસ્ટમેનનો જ પર્દાફાશ

સામાન્ય ટપાલ સેવાને તબક્કાવાર બંધ અથવા નબળી કરવાની એક લાંબાગાળાની વ્યુહરચના હોવાનો આરોપ

Tuesday 26th May 2026 11:20 EDT
 
 

લંડનઃ થોર્નબરીમાં ટપાલ સેવા આપતા એક કર્મચારીએ રોયલ મેઇલની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબનો પર્દાફાશ કરતા ગંભીર ચેતવણી આપી છે. આ કર્મચારીએ દાવો કર્યો છે કે હાલમાં વિભાગની દરેક ઓફિસ સ્ટાફની અછતનો સામનો કરી રહી છે, અને બિન-નફાકારક સામાન્ય ટપાલને બાજુ પર મૂકીને કુરિયર પાર્સલને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

પોતાનું દર્દ વ્યક્ત કરતા વરિષ્ઠ ટપાલ કર્મચારીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક દાયકાઓથી આ સેવામાં કાર્યરત છું અને મેં મારી નજર સામે આ શાનદાર જાહેર સેવાનો વિનાશ થતો જોયો છે. આ સમસ્યા રોયલ મેઇલના ખાનગીકરણ સાથે શરૂ થઈ હતી જે અટકવાનું નામ નથી લેતી. અમારી પાસે હાલ એટલા મોટા રૂટ છે જે નિયત સમયમાં પૂરા કરવા અશક્ય છે. જો રોયલ મેઇલ પાર્સલના બદલે સામાન્ય પત્રોને પ્રાથમિકતા આપવાનું શરૂ કરે તો રોજ આવતા હજારો પાર્સલના કારણે ગણતરીના દિવસોમાં જ ઓફિસો છત સુધી ભરાઈ જાય. આ સામાન્ય ટપાલ સેવાને તબક્કાવાર બંધ અથવા નબળી કરવાની એક લાંબાગાળાની વ્યુહરચના છે, જેમાં હવે સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર છે.

આ તમામ આક્ષેપો રોયલ મેઇલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી બન્યું છે. વર્ષ 2000ની શરૂઆતની સરખામણીમાં પત્રોની સંખ્યા 20 અબજથી ઘટીને માત્ર 6.3 અબજ રહી ગઈ છે જ્યારે પાર્સલની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

રોયલ મેઇલના ડિલિવરી ધાંધિયા મુદ્દે ઓફકોમની આકરી ટીકા

સંઘર્ષ કરી રહેલી રોયલ મેઇલની સેવાન સુધારવામાં નિષ્ફળ રહેવા બદલ રોયલ મેઇલના વોચડોગ ઓફકોમ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સંસદીય સમિતિએ એક આકરા અહેવાલમાં જણાવ્યું છે કે, ગત વર્ષે લાખો લોકો સુધી ટપાલ મોડી પહોંચી હોવા છતાં ઓફકોમ આ કામગીરીને સુધારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને તે આ જવાબદારી માટે લાયક નથી. બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ ચેતવણી આપી છે કે પત્રોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, જેનો ફાયદો ઉઠાવીને એમેઝોન જેવી વૈશ્વિક ટેક કંપનીઓ મોટો નફો રળી રહી છે. અહેવાલ અનુસાર, એમેઝોન રોયલ મેઇલના દેશવ્યાપી ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરી રહી છે પરંતુ તેના વિશાળ સંચાલન ખર્ચમાં કોઈ ફાળો આપતી નથી. સાંસદોની સમિતિએ ઓફકોમને આગામી છ મહિનાનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં કડક પગલાં ભરીને સ્થિતિ સુધારવામાં નહીં આવે, તો સરકાર આ મામલે સીધો હસ્તક્ષેપ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter