રોયલ મેઇલની ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત હવે 1.25 પાઉન્ડ

ટપાલ ટિકિટની કિંમતમાં છેલ્લા 18 મહિનામાં ત્રીજીવાર વધારો

Tuesday 03rd October 2023 11:53 EDT
 
 

લંડનઃ રોયલ મેઇલે ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં વધારો કરતાં હવે આ સ્ટેમ્પ માટે 1.10 પાઉન્ડને સ્થાને 1.25 પાઉન્ડ ચૂકવવા પડશે. રોયલ મેઇલ દ્વારા છેલ્લા 18 મહિનામાં ટપાલ ટિકિટની કિંમતમાં ત્રીજીવાર વધારો કરાયો છે. રોયલ મેઇલે આ માટે તેના પર સર્જાઇ રહેલા આર્થિક દબાણને જવાબદાર ગણાવ્યું છે.

સિટિઝન્સ એડવાઇસ નામની ચેરિટીએ જણાવ્યું હતું કે, રેગ્યુલેટર ઓફકોમે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી સંકટમાં પડેલા પરિવારોને ધ્યાનમાં રાખીને રોયલ મેઇલને કિંમતોમાં વધારો કરતા અટકાવવી જોઇએ. જોકે ઓફકોમે જણાવ્યું હતું કે, ટપાલ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે કિંમતોમાં સુધારાની છૂટછાટ હોવી જોઇએ.

રોયલ મેઇલે જણાવ્યું હતું કે, યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનમાં સુધારા ન થવાના કારણે કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. અમારે સપ્તાહના 6 દિવસ યુકેના 32 મિલિયન સરનામા પર ટપાલની ડિલિવરી કરવી પડે છે. રોયલ મેઇલની સેકન્ડ ક્લાસ પોસ્ટલ સ્ટેમ્પની કિંમત 75 પેન્સ પર યથાવત રખાઇ છે.

સિટિઝન્સ એડવાઇસે આરોપ મૂક્યો છે કે રોયલ મેઇલની સેવાઓ કથળી હોવા છતાં ઓફકોમ તેને કિંમતોમાં વધારો કરવાની પરવાનગી આપી રહી છે.

ટપાલ ટિકિટમાં ભાવવધારો

ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ (સ્ટાન્ડર્ડ સાઇઝ) – 1.10 પાઉન્ડથી વધારીને 1.25 પાઉન્ડ

ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ (લાર્જ લેટર્સ) – 1.60 પાઉન્ડથી વધારીને 1.95 પાઉન્ડ

સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ (લાર્જ લેટર્સ) – 1.15 પાઉન્ડથી વધારીને 1.55 પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter