લંડનઃ નાગરિકો માટેની મૂળભૂત સેવા રોયલ મેઇલ જેટલાં નાણા વસૂલે છે તેની સરખામણીમાં સેવા આપવામાં ઉણી પૂરવાર થઇ છે. છેલ્લા 10 વર્ષમાં રોયલ મેઇલ દ્વારા ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ પર વસૂલાતી કિંમતમાં 170 ટકાનો વધારો થયો છે. તેથી હવે કિંમતોને કાબુમાં રાખવા રેગ્યુલેટર ઓફકોમે પ્રાઇસ કેપ લાદવાની વિચારણા શરૂ કરી છે.
આમ પણ રોયલ મેઇલને રેગ્યુલેટર તરફથી ઘણી રાહતો મળતી રહી છે. ઓફકોમે સેકન્ડ ક્લાસ લેટરની ડિલિવરી શનિવારે કરવામાંથી રોયલ મેઇલને મુક્તિ આપી દીધી છે. આ બદલાવને પગલે રોયલ મેઇલ 250થી 425 મિલિયન પાઉન્ડની બચત કરી શકશે.
તાજેતરમાં જ રોયલ મેઇલને ઝેક બિલિયોનર ડેનિયલ ક્રેતિન્સ્કીએ ખરીદી લીધી છે. નવો માલિક ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં વધારો કરી જનતાને સેકન્ડ ક્લાસ પોસ્ટ તરફ વળવા મજબૂર ન કરે તે માટે હવે રેગ્યુલેટર આ વિચારણા કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતો પર કોઇ નિયંત્રણ નથી જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતો નિયંત્રિત છે. છેલ્લા 10 વર્ષમાં ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 63 પેન્સના વધારા સાથે 1.70 પાઉન્ડ પર પહોંચી ગઇ છે. સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત પમ 54 પેન્સના વધારા સાથે 87 પેન્સ પર પહોંચી છે.
ઓફકોમના નાતાલી બ્લેકે જણાવ્યું હતું કે અમે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતો નિયંત્રિત રાખવા પ્રતિબદ્ધ છીએ. અમે સ્ટેમ્પની કિંમતો પોષાય તેવી રહે તે માટે સમીક્ષા પણ શરૂ કરી છે.