લંડનઃ રોયલ મેઇલે સમગ્ર યુકેમાં આવેલા તેના કસ્ટમર સર્વિસ પોઇન્ટ ખાતેના કામના કલાકોમાં 50 ટકાનો ઘટાડો કરતાં ટીકાકારોએ ચેતવણી આપી છે કે તેનાથી કર્મચારીઓ અને વેપારધંધાને મોટી અસર થશે. રોયલ મેઇલના 1200 કસ્ટમર સર્વિસ પોઇન્ટ કાર્યરત છે જ્યાંથી કસ્ટમર ઘર ખાતે ડિલિવરી ન પહોંચી હોય તેવી ટપાલ અને પાર્સલ મેળવી શકે છે અથવા તો ડિલિવરી માટે આપી પણ શકે છે.
રોયલ મેઇલ દ્વારા કરાયેલા બદલાવને પગલે હવે 50 ટકા કસ્ટમર સર્વિસ પોઇન્ટ સોમથી શુક્ર સવારના 8 થી 10 જ ખુલ્લાં રહેશે જ્યારે શનિવારે કામનો સમય સવારના 8 થી 12 રહેશે. કેટલાક પોઇન્ટ ગુરુવારે સાંજે 4થી 6 દરમિયાન કાર્યરત રહેશે. આ પહેલાં તમામ પોઇન્ટ સવારના 8થી બપોરના 2 સુધી કાર્યરત રહેતાં હતાં.
રોયલ મેઇલના નિર્ણયની ટીકા કરતાં લોકોએ જણાવ્યું છે કે આ પગલાંથી નોકરીયાત અને વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોને વિપરિત અસર થશે. બીજા દિવસે ડિલિવરી માટે આ પોઇન્ટનો ઉપયોગ કરતી કંપનીઓની કામગીરી પર પણ અસર થશે.
જો કે રોયલ મેઇલે દલીલ કરી છે કે ડોરસ્ટેપ સર્વિસમાં વધારો થવાના કારણે આ નિર્ણય લેવાયો છે.


