લંડનઃ કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટર ઓફકોમ દ્વારા પ્રસ્તાવિત સુધારા અંતર્ગત રોયલ મેઇલને શનિવારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ ડિલિવરી બંધ કરવાની પરવાનગી અપાશે. 28 જુલાઇથી રોયલ મેઇલને ઓલ્ટરનેટ વીક ડેમાં સેકન્ડ ક્લાસ લેટર્સની ડિલિવરીની પરવનાગી અપાશે તેમ ઓફકોમે જણાવ્યું હતું. તેમ છતાં સોમવારથી શુક્રવાર સુધી સેકન્ડ ક્લાસ લેટર્સને 3 વર્કિંગ ડેમાં ડિલિવર કરવાના રહેશે.
રોયલ મેઇલ છેલ્લા કેટલાંક વર્ષથી તેના ડિલિવરી ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ જઇ રહી છે તેથી તેના ડિલિવરી ટાર્ગેટ સુધારવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ અંતર્ગત રોયલ મેઇલને સપ્તાહમાં 93 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલની ડિલિવરીના સ્થાને 90 ટકા ડિલિવરીનો લક્ષ્યાંક અપાશે. તેવી જ રીતે સેકન્ડ ક્લાસ પોસ્ટના 98.5 ટકાના ડિલિવરી લક્ષ્યાંકની સામે 95 ટકાનો લક્ષ્યાંક અપાશે.
ઓફકોમ દ્વારા સ્ટેમ્પની કિંમતની સમીક્ષા કરવાને પણ પરવાનગી અપાઇ છે. આ માટે આગામી વર્ષમાં નિર્ણય લેવાશે. રોયલ મેઇલ અને તેના નવા માલિક ડેનિયલ ક્રેતિન્સ્કી માટે આ સારા સમાચાર છે કારણ કે આ સુધારા દ્વારા તે 250થી 425 મિલિયન પાઉન્ડની બચત કરી શકશે. રોયલ મેઇલે આ જાહેરાતને આવકારી છે.
જોકે સિટિઝન્સ એડવાઇઝે આ સુધારાના કારણે રોયલ મેઇલની સેવાઓ સુધરી જશે તેના પર શંકા વ્યક્ત કરી છે. તેના ડિરેક્ટર ટોમ મેકિન્સે જણાવ્યું હતું કે, ઓફકોમ રોયલ મેઇલની સેવાઓમાં અર્થપૂર્ણ બદલાવ લાવવાની મોટી તક ચૂકી ગઇ છે. ડિલિવરી ટાર્ગેટમાં છૂટછાટ આપીને રોયલ મેઇલની કામગીરીમાં સુધારો થઇ શકશે નહીં.


