લંડનઃ રોયલ મેઇલમાં પત્રો અને પાર્સલ ગૂમ થવાની ઘટનાઓ વ્યાપક બની છે. છેલ્લા એક વર્ષમાં રોયલ મેઇલે રેકોર્ડ સંખ્યામાં પત્રો અને પાર્સલ ગુમાવ્યા હતા. આ મામલે 9 લાખ જેટલી ફરિયાદો મળી છે. મહત્વના પત્રો અને પાર્સલ ગુમાવનારા લોકો કહે છે કે ખોટા સરનામા પર પત્ર અને પાર્સલની ડિલિવરી સામાન્ય સમસ્યા બની રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં રોયલ મેઇલમાં કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. કર્મચારીઓ પર હાંસલ ન કરી શકાય તેવા લક્ષ્યાંકો માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે કર્મચારીઓ નોકરી છોડી રહ્યાં છે. કર્મચારીઓનો જુસ્સો નીચી સપાટી પર ગગડી ગયો છે. લાંબા સમયથી કામ કરનારા ઘણા કર્મચારી નોકરી છોડીને ચાલ્યા ગયાં છે. તેના કારણે બિનઅનુભવી કર્મચારીઓ પર આધાર રાખીને કામ ચલાવવું પડે છે.
ઓફકોમના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રોયલ મેઇલ દ્વારા 2022-23માં ચૂકવાયેલા વળતરમાં 50 ટકાનો વધારો થયો હતો. 2022-23માં રોયલ મેઇલ દ્વારા 26.2 મિલિયન પાઉન્ડ વળતર ચૂકવાયું હતું જે તેના અગાઉના વર્ષમાં 17.8 મિલિયન પાઉન્ડ હતું. લેટર્સ અને પાર્સલ ગૂમ થયાની ફરિયાદોમાં છેલ્લા એક વર્ષમાં 43 ટકાનો વધારો નોંધાયો હતો.


