લંડન: રોયલ મેઈલ દ્વારા તેની સેવાઓના દરમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. એક તરફ કંપની ડિલિવરીના લક્ષ્યાંકો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે, ત્યારે બીજી તરફ ટપાલ ટિકિટના ભાવ વધારતા ગ્રાહકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરના વધારા મુજબ, ફર્સ્ટ ક્લાસ ટિકિટના ભાવમાં 10 પેન્સનો વધારો થતા હવે તેની કિંમત 1.80 પાઉન્ડ જ્યારે સેકન્ડ ક્લાસ લેટરના ભાવ 4 પેન્સ વધીને 91 પેન્સ થયા છે. નોંધનીય છે કે, દસ વર્ષ પહેલા ફર્સ્ટ ક્લાસ ટિકિટ માત્ર 64 પેન્સમાં મળતી હતી.
રોયલ મેઈલના મેનેજિંગ ડિરેક્ટર રિચાર્ડ ટ્રાવર્સના જણાવ્યા અનુસાર, લોકો હવે પત્રો ઓછા લખે છે પરંતુ સરનામાઓની સંખ્યા સતત વધી રહી છે, જેને કારણે ડિલિવરીનો ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઈરાન યુદ્ધને કારણે ઉર્જાના ભાવ વધતા ફ્યુઅલ સરચાર્જમાં પણ 5% થી 5.5% નો વધારો કરવામાં આવ્યો છે.
રોયલ મેઇલ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આ આઠમો ભાવવધારો છે. સંસદસભ્યો અને સામાન્ય જનતા સતત ખરાબ સેવાની ફરિયાદ કરી રહ્યા છે, તેમ છતાં ભાવમાં સતત થઈ રહેલો વધારો ચર્ચાનો વિષય બન્યો છે.


