રોયલ મેઈલ તૂટી પડવાને આરેઃ દર સપ્તાહે 300થી વધુના રાજીનામાં

ક્રિસમસ દરમિયાન હાલત ખરાબ થઈ જવાની યુનિયનની ચેતવણી

Wednesday 21st October 2026 07:18 EDT
 
 

લંડનઃ 100,000 પોસ્ટલ વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા કોમ્યુનિકેશન્સ વર્કર્સ યુનિયન (CWU) દ્વારા ચેતવણી અપાઈ છે કે રોયલ મેઈલ તૂટી પડવાના આરે છે અને દર સપ્તાહે 300થી વધુ પોસ્ટમેન અને વિમેનના રાજીનામાંના પરિણામે ક્રિસમસ દરમિયાન હાલત ખરાબ થઈ જશે. જો ફેરફારો કરવામાં નહિ આવે તો પોસ્ટની સેવા ‘ટિકિંગ ટાઈમબોમ્બ’ બની રહેશે.

CWUના જનરલ સેક્રેટરી ડેવ વોર્ડે જણાવ્યું હતું કે તેઓ ‘ટિકિંગ ટાઈમબોમ્બ’ રોયલ મેઈલ ની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્ટેકહોલ્ડર્સ અને સરકાર વચ્ચે બેઠક યોજવાની હિમાયત કરે છે. રોયલ મેઈલ એક દાયકા કરતાં વધુ સમયથી માળખાકીય પતનમાં છે. ગુણવત્તાસભર સેવા આપવાની સતત નિષ્ફળતા બ્રાન્ડને ખતમ કરી રહી છે, વર્કફોર્સની નૈતિક હિંમત તૂટે છે અને પોસ્ટલ વર્કર્સ જેમની સેવા કરવામાં ગર્વ અનુભવે છે તેવી કોમ્યુનિટીઓને નીચાજોણું થયું છે.

510 વર્ષ પુરાણી ડિલિવરી સર્વિસ હાલ આશરે 83,000 પોસ્ટમેનને નોકરીએ રાખેલ છે અને ક્રિસમસ ડિલિવરી સમયગાળામાં મદદ માટે 22,000 હંગામી વર્કર્સની ભરતી કરનાર છે. ગત સપ્તાહે જ રોયલ મેઈલે જાહેર કર્યું હતું કે તે 2027ના અંત સુધીમાં 2500 નોકરીઓમાં કાપ મૂકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter