રોયલ મેઈલ દ્વારા સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરીમાં ફેરફાર કરાતાં ભારે રોષ

હવે સોમથી શુક્ર સુધી આંતરા દિવસે સેકન્ડ ક્લાસ ડિલિવરી કરાશે

Tuesday 07th July 2026 10:40 EDT
 
 

લંડનઃ રોયલ મેઈલ દ્વારા સેકન્ડ ક્લાસ લેટર્સ અને ગ્રીટિંગ કાર્ડ્સની ડિલિવરી વ્યવસ્થામાં મોટો અને કાયમી બદલાવ કરાયો છે. ઓફકોમની મંજૂરી બાદ અમલમાં આવેલા આ નવા નિયમો અંગે દેશભરના ઘરોમાં માહિતી પત્રિકાઓ મોકલવામાં આવી રહી છે.

નવા ફેરફાર મુજબ રોયલ મેઈલે સેકન્ડ ક્લાસ પોસ્ટ માટે શનિવારની ડિલિવરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હવે આ પોસ્ટ માત્ર કામકાજના દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન આંતરા દિવસે ડિલિવર કરાશે. તેનો અર્થ એ થયો કે કોઈ એક અઠવાડિયે તમારા ઘરે સોમવાર, બુધવાર અને શુક્રવારે સેકન્ડ ક્લાસ ટપાલ આવી શકે છે, તો તેના પછીના અઠવાડિયે મંગળવાર અને ગુરૂવારે જ ડિલિવરી મળશે. આ ઉપરાંત, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે ટ્રેક કરાયેલા તમામ પ્રકારના પાર્સલની ડિલિવરી પહેલાની જેમ જ અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રહેશે.

રોયલ મેઈલના આ નિર્ણયને સામાન્ય જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, આ નાનો ફેરફાર નથી, પરંતુ સેવામાં સીધો કાપ છે. અન્ય એક નાગરિકે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમને પહેલેથી જ હોસ્પિટલની એપોઇન્ટમેન્ટના લેટર્સ સમયસર મેળવવામાં મુશ્કેલી પડતી હતી અને હવે આ ફેરફારથી સ્થિતિ વધુ વણસશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter