રોયલ મેઈલ સામે વિલંબની ઢગલાબંધ ફરિયાદો

Wednesday 26th January 2022 04:42 EST
 
 

લંડનઃ રોયલ મેઈલને ગયા વર્ષે ૨૮ માર્ચ ૨૦૨૧ સુધીમાં ગ્રાહકો પાસેથી ગુણવત્તા સંબંધિત ૧,૧૩૫,૧૪૧ ફરિયાદો મળી છે જે એક દાયકામાં સૌથી વધારે અને અગાઉના વર્ષ કરતાં ૫૦ ટકા વધુ છે. સમગ્ર દેશમાં ક્રિસમસ અને નવા વર્ષના ગાળામાં ૧૨૦થી વધુ પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સમાં ટપાલમાં ભારે વિલંબની સૌથી વધુ ફરિયાદ રહી છે. રેગ્યુલેટર ઓફકોમે જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર જણાતા પગલાં પણ લેશે.

મહામારીના ગાળામાં ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત વધી હોવાં છતાં, ૯૩ ટકા ફર્સ્ટ ક્લાસ લેટર્સની ડિલિવરીના ૯૩ ટકાના લક્ષ્ય સામે બીજા વર્કિંગ ડિવસે ૭૫ ટકા લેટર્સની ડિલિવરી કરી શકાઈ હતી. રોયલ મેઈલ લેટર્સની ડિલિવરીમાં લગભગ મોનોપોલી ધરાવે છે છતાં, પાર્સલોની ડિલિવરીને વધુ પ્રાથમિકતા અપાતી હોવાનો આક્ષેપ તેની સામે પાર્લામેન્ટમાં કરાયો છે.

રોયલ મેઈલ કસ્ટમર સર્વિસ એજન્ટ્સને ફરિયાદલક્ષી ફોન કરવામાં આવે ત્યારે પણ એક કલાક સુધી વિલંબ થતો હોવાની ફરિયાદો પણ ગ્રાહકો કરી રહ્યા છે. બીજી તરફ, રોયલ મેઈલનું કહેવું છે કે પાર્સલનો વધેલો જથ્થો, સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો અને સ્ટાફની ગેરહાજરીના કારણે કોવિડ-૧૯ના ગાળામાં તેની સેવામાં અવરોધની ચેતવણી ગ્રાહકોને અપાઈ જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter