રોયલ મેઈલ ૨,૦૦૦ નોકરીમાં કાપ મૂકશેઃ રોજ £૧ મિલિ.ની ખોટ

Tuesday 30th June 2020 09:03 EDT
 
 

લંડનઃ ખોટ ખાઈ રહેલી રોયલ મેઈલ કંપનીને બચાવવા તેની ૨૦૦૦ મેનેજમેન્ટ નોકરીઓમાં કાપ મૂકવા નિર્ણય જાહેર કર્યો છે. એક્ઝિક્યુટિવ ચેરમેન કિથ વિલિયમ્સે જણાવ્યું છે કે ખર્ચામાં કાપ અને બિઝનેસમાં ધરમૂળ ફેરફારોથી યુકેમાં રોયલ મેઈલના અસ્તિત્વને જાળવવામાં મદદ મળશે. કંપની દરરોજ એક મિલિયન પાઉન્ડની ખોટ કરી રહી છે. જોકે, આ નિર્ણયથી રોયલ મેઈલને બ્રિટનના સૌથી મોટા ટ્રેડ યુનિયન સાથે સંઘર્ષ ઉભો થશે તે નિશ્ચિત છે.

બ્રિટનની ૫૦૪ વર્ષ જૂની પોસ્ટલ સર્વિસ સતત ઘટી રહેલા પત્રોના બજાર પર વધુ આધાર રાખે છે તેમજ વધી રહેલા પાર્સલ બિઝનેસમાં અપૂરતું રોકાણ કરતી હોવાની ટીકાઓ થઈ રહી છે. વિલિયમ્સે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ કટોકટીના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ૬૪ વર્ષના ચેરમેને કહ્યું હતું કે મહામારીના અભૂતપૂર્વ સંકટ, લોકડાઉનના કારણે લોકોએ ઘરમાં ગોંધાઈ રહેવું પડ્યું અને ગત બે મહિનામાં પત્રોના જથ્થામાં ૩૩ ટકા જેટલા ઘટાડાએ રોયલ મેઈલની મુશ્કેલીઓ વધારી હતી. દરમિયાન, ઓનલાઈન શોપિંગમાં ભારે તેજી સાથે પાર્સલના જથ્થામાં ઉછાળો આવ્યો હતો. બીજી તરફ, યુનાઈટ યુનિયને કહ્યું છે કે નોકરીઓમાં કાપથી તેને ભારે આંચકો લાગ્યો છે અને કોઈ પણ ફરજિયાત છટણી અટકાવવા તેણે મક્કમતા જાહેર કરી હતી.

રોયલ મેઈલમાં આશરે ૯,૭૦૦ મેનેજર છે જેમાંથી, ૨,૦૦૦ નોકરી પર ૪૫ દિવસની કન્સલ્ટેશન પ્રક્રિયા પછી કાપ મૂકવામાં આવશે. ફાઈનાન્સ અને આઈટી જેવી બેકઓફિસ નોકરીઓને ભારે સહન કરવાનું આવશે. નફામાં ઘટાડાના પરિણામે રોયલ મેઈલે આગામી વર્ષનું ડિવિડન્ડ સસ્પેન્ડ કર્યું છે અને કોરોના વાઈરસ કટોકટીના લીધે ૫૦૦ મિલિયન પાઉન્ડના નુકસાન અંગે ચેતવણી પણ આપી છે. વિલિયમ્સે જણાવ્યું હતું કે યુકેનો બિઝનેસ દરરોજ એક મિલિયન પાઉન્ડની ખોટ કરે છે. તેમણે ખુલ્લા પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન કટોકટી પછી ઘણા બિઝનેસ બજારમાં ઉછાળા સાથે પૂર્વવત બની જશે. જોકે, રોયલ મેઈલ જેવા બિઝનેસ માટે મોટો ફેરફાર નહિ આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter