લંડનઃ રોયલ મેલના પૂર્વ મેનેજર માથન શણ્મુગરાજાને ૨૨૯,૦૦૦ પાઉન્ડ ચૂકવવા ટ્રિબ્યુનલે રોયલ મેલને આદેશ કર્યો હતો. આ રકમમાં ગુમાવેલી અને ભવિષ્યની આવક અને લાગણીઓને પહોંચેલી ઠેસ માટે વળતરનો સમાવેશ થાય છે. ટ્રિબ્યુનલ એવા તારણ પર પહોંચી હતી કે કામકાજના સ્થળે તેઓ હેરાનગતિ અને ભેદભાવનો ભોગ બનતા હતા.
એક સહકર્મીએ તેમને સ્લાય ડોગ (લૂચ્ચું શ્વાન) કહ્યા હતા અને બીજાએ રૂમનો ઉપયોગ કરવા બદલ ભૂલથી તેમને મુસ્લિમ ગણીને ઝઘડો કર્યો હતો. ટ્રિબ્યુનલને એમ પણ જણાવાયું હતું કે શણ્મુગરાજાએ એન્ક્ઝાઈટીને લીધે રજા લીધી તો તેમના એક વડાએ સીક પે અટકાવી દેવાની ધમકી આપી હતી. મેથ્સ ગ્રેજ્યુએટ શણ્મુગરાજાને બરતરફ કરી દેવાયા હતા. તેમણે બીજી નોકરી શોધવાના ઘણાં પ્રયાસો કર્યા પરંતુ, તેમને નોકરી મળી નહી.
શણ્મુગરાજાએ પોતે બ્રિટિશ મૂળના ભારતીય અને હિંદુ હોવાનું ટ્રિબ્યનલને જણાવ્યું હતું. તેઓ ઓગસ્ટ ૨૦૦૭માં કાર્ડિફમાં રોયલ મેલ સાથે જોડાયા હતા. શણ્મુગરાજા ૨૦૧૭ સુધીમાં વર્ષે ૩૨,૦૦૦ પાઉન્ડ કમાતા થયા હતા અને તેમની કામગીરીમાં દર અઠવાડિયે ટ્રેનિંગ અને પ્લાનિંગ મીટીંગ યોજવાનો સમાવેશ થતો હતો.
જૂન ૨૦૧૭ માં એક વર્કરે તેમને લુચ્ચું શ્વાન કહ્યા હતા. ટ્રિબ્યનલે ઠેરવ્યું કે કોઈને આમ કહેવું ઘણી સંસ્કૃતિઓ અને જાતિનું અપમાન ગણાય. આ શબ્દ ઘણી સંસ્કૃતિઓમાં ખૂબ અપમાનજનક મનાય છે. શણ્મુગરાજાએ જણાવ્યું હતું કે આ ટીકા તેમના લાઈન મેનેજરની હાજરીમાં થઈ હતી અને તે વર્કર સામે કોઈ પગલાં લેવાયા ન હોવાથી તેઓ નારાજ થયા હતા.

