રોરી સ્ટુઅર્ટ લંડનના મેયર બનવા ઉમેદવારી કરશે

Wednesday 16th October 2019 03:32 EDT
 
 

લંડનઃ પૂર્વ ટોરી મિનિસ્ટર અને નેતાગીરીના ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ પાર્લામેન્ટમાં સંસદ બનવા ઉમેદવારી કરવાના બદલે લંડનના મેયરપદની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રહેવા માગે છે. પેનરિથ એન્ડ ધ બોર્ડરના સાંસદ સ્ટુઅર્ટે કન્ઝર્વેટિવ પાર્ટી છોડી દીધી છે. હવે તેઓ સ્થાનિક રાજકારણમાં રહેવા ઈચ્છે છે.

લંડનના મેયરપદની આગામી ચૂંટણી લંડન એસેમ્બલીની સાથોસાથ ૨૦૨૦ની સાતમી મેએ યોજાનાર છે. અત્યારે લેબર પાર્ટીના સાદિક ખાન લંડનના મેયર છે. સ્ટુઅર્ટે કહ્યું હતું કે એક સાંસદ તરીકે તેમની પાસે લોકોનું જીવન બદલવાની વાસ્તવિક સત્તા હોતી નથી. તમે કોઈ કામ કરાવવા માટે લોકોને પત્રો જ લખતા રહો છો. તમારે પોલીસ, ટ્રાન્સપોર્ટ અને હાઉસિંગની સમસ્યાઓ હલ કરવી હોય છે પરંતુ, આ બધું લોકલ ગવર્મેન્ટની સત્તામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે બ્રિટિશ સરકારમાં સૌથી વધુ આરોગ્યપ્રદ હિસ્સો લોકલ ગવર્મેન્ટ જ છે. આથી, હું પાર્લામેન્ટમાંથી બહાર આવવા માગું છું. હું મેયરપદની સ્પર્ધામાં રહીશ અને્ સ્વતંત્ર હોવાના કારણે મજબૂત પોઝિશનમાં પણ રહીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયાની પદ્ધતિની માફક મતદાન ફરજિયાત બનાવવામાં રસ ધરાવે છે. ૧૦૦ ટકા મતદાન હોય તો આપણા સાંસદો સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ બની શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter