લંડન
બ્રિટનના બે સૌથી મોટા શહેર એવા લંડન અને બર્મિંગહામમાં પણ શ્વેત બ્રિટિશરો લઘુમતીમાં આવી ગયાં છે. 2021ની વસતી ગણતરીના આંકડા અનુસાર લંડનમાં 2011માં 45 ટકા એટલે કે 49 લાખ શ્વેત લોકો હતા જે 2021માં ઘટીને 37 ટકા અથવા તો 47 લાખ રહી ગયાં છે. બર્મિંગહામમાં 2011માં શ્વેત લોકોની વસતી 52 ટકા એટલે કે 5,81,000 હતી જે 2021માં ઘટીને 43 ટકા અથવા તો 4,91,000 રહી ગયાં છે. છેલ્લા એક દાયકામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શ્વેત લોકોની વસતીમાં પાંચ લાખનો ઘટાડો થયો છે.
લેસ્ટર પણ બ્રિટનમાં શ્વેતબહુલ શહેરોની યાદીમાંથી દૂર થઇ ગયું છે. 2021ની વસતી ગણતરીના આંકડા પ્રમાણે લેસ્ટરમાં શ્વેત લોકોની વસતી ફક્ત 41 ટકા રહી ગઇ છે જે યુકેના કોઇપણ શહેરની શ્વેત વસતીની સરખામણીમાં સૌથી ઓછી છે. 2011ની વસતી ગણતરીમાં 51 ટકા શ્વેત લેસ્ટરમાં વસવાટ કરતા હતા.
શ્વેતોની વસતી એક દાયકામાં 86 ટકાથી ઘટીને 81.7 ટકા થઇ
2011માં યુકેની વસતી 5.60 કરોડ હતી જે 2021માં 6.3 ટકાના વધારા સાથે 5.95 કરોડ થઇ છે. યુકેમાં શ્વેત લોકોની વસતી 4.82 કરોડથી વધીને 4.87 કરોડ થઇ છે. કુલ વસતીમાં તેમની ટકાવારીમાં ઘટાડો થયો છે. 2011માં 86 ટકા શ્વેત નાગરિકો હતા જે 2021માં ઘટીને 81.7 ટકા રહી ગયાં છે. 4.43 કરોડ લોકોએ પોતાને ઇંગ્લિશ, વેલ્શ, સ્કોટિશ, નોર્ધન આઇરિશ અથવા તો બ્રિટિશ ગણાવ્યા છે. 36.67 લોકોએ પોતાને અન્ય શ્વેતની કેટેગરીમાં ગણાવ્યા છે.


