લંડન અને માન્ચેસ્ટરના ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે વધુ 5 મિલિયન પાઉન્ડની ફાળવણી

પ્રોજેક્ટ સર્વેટર હેઠળ સુરક્ષા કવચ મજબૂત કરાશે

Tuesday 14th April 2026 10:52 EDT
 
 

લંડન: બ્રિટનના હોમ ઓફિસ દ્વારા લંડન અને માન્ચેસ્ટરના ધર્મસ્થળોની આસપાસ સુરક્ષા સઘન બનાવવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે વધારાના 5 મિલિયન પાઉન્ડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા હેટ ક્રાઇમ અને તાજેતરની હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સિક્યુરિટી મિનિસ્ટર ડેન જાર્વિસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ભંડોળનો ઉપયોગ 'પ્રોજેક્ટ સર્વેટર' અંતર્ગત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં એવા નિષ્ણાત પોલીસ અધિકારીઓ સામેલ હોય છે જેઓ ગંભીર ગુનાની યોજના ઘડી રહેલા શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખવા માટે વિશેષ તાલીમ પામેલા હોય છે. જાર્વિસે ઉમેર્યું  હતું કે, જ્યારે સમુદાયોમાં ચિંતાનું વાતાવરણ હોય, ત્યારે અમારું સમર્થન વધારવું અનિવાર્ય છે. આ ભંડોળથી પોલીસ સંસાધનો વધશે અને લોકો જ્યાં રહે છે, કામ કરે છે કે પ્રાર્થના કરે છે ત્યાં સુરક્ષિત અનુભવશે.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિસ હેડફિલ્ડે જણાવ્યું કે આ વધારાના નાણાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાની તેમની ક્ષમતા મજબૂત થશે. બીજી તરફ, મેટ પોલીસ કમાન્ડર એન્ડી ફેધરસ્ટોને સ્પષ્ટ કર્યું હતું કે, કોઈપણ પ્રકારના હેટ ક્રાઈમ માટે અમારા સમાજમાં કોઈ સ્થાન નથી અને અમે આવા અહેવાલોને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter