છેલ્લા દસેક વર્ષથી જેના માટે બ્રિટનવાસી ગુજરાતીઅો દ્વારા લડત ચલાવાતી હતી તે અમદાવાદ-લંડન વચ્ચેની નોનસ્ટોપ સીધી ફલાઇટની તા. ૧૫મી અોગસ્ટના રોજ શરૂઆત થતાં જ બ્રિટન તેમજ ગુજરાતમાં વસતા સૌ ગુજરાતીઅો આનંદથી ઝુમી ઊઠ્યા છે. સૌ કોઇનો હરખ સમાતો નથી. જી હા, ૧૫મી અોગસ્ટના રોજ મળસ્કે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વાયા લંડન થઇ અમેરિકાના નેવાર્ક જવા માટે એર ઇન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઇનર એરક્રાફટે ઉડાન ભરતાં જ જાણે કે એક નવા અધ્યાયની શુભ શરૂઆત થઇ હતી. આનંદની વાત એ છે કે આ ફ્લાઇટને ભારત, બ્રિટન અને અમેરિકાના મુસાફરો દ્વારા જોરદાર આવકાર મળ્યો છે અને બિઝનેસ ક્લાસ સહિત ઇકોનોમી ક્લાસનું સપ્ટેમ્બર માસ સુધીનું સંપૂર્ણ બુકીંગ મળી ચૂક્યુ છે.
'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' દ્વારા લંડનના હીથરો એરપોર્ટ પર અને અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની મુલાકાત લઇ પ્રતિભાવ જાણવામાં આવ્યા હતા. જેમાં સૌ મુસાફરોનો એક જ સુર હતો કે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતે આપેલું વચન પાળ્યું છે અને તેમના થકી જ આ ડાયરેક્ટ ફ્લાઇટ શક્ય બની છે. લંડન સ્થિત મોટાભાગના મુસાફરોએ ‘ગુજરાત સમાચાર - એશિયન વોઇસ’ સાપ્તાહિકો દ્વારા છેલ્લા દસ વર્ષ દરમિયાન ડાયરેક્ટ ફ્લાઇટ માટે ચલાવવામાં આવેલી ઝુંબશની સરાહના કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વેમ્બલી સ્ટેડીયમ ખાતે તા. ૧૩-૧૧-૨૦૧૫ના શુક્રવારના રોજ ૬૦,૦૦૦ શ્રોતાની ઉપસ્થિતીમાં શ્રી મોદીજીએ “મારા મિત્ર સી.બી. પટેલ લંડન-અમદાવાદની ડાયરેકટ ફલાઇટ માટે દર વર્ષે મારું ગળું પકડતા હતા" તેવી યાદો તાજી કરી હતી.
બીમાર-શક્ત મુસાફરોને ફાયદો થશે: મણીભાઇ પટેલ
૮૬ વર્ષની વયના અને અપર ટૂટીંગ રોડ પર કોવિક રોડ પર રહેતા મણીભાઇ એસ. પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે 'ભાઇ, હું પહેલા ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ ત્યારે અમદાવાદ ગયો હતો. પરંતુ તે પછી પ્રફૂલ્લ પટેલે (ભૂતપૂર્વ એવીએશન મિનિસ્ટર, એનડીએ સરકાર) તે બંધ કરાવી હતી. અમદાવાદની નોનસ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે તેનાથી મારા જેવા ઉંમર લાયક અને બીમાર-આશક્ત મુસાફરોને ખૂબ જ ફાયદો થશે. જેમની તબીયત સારી ન હોય તેમને આરામ અને સગવડ મળશે તેમજ મુસાફરીનો સમય અોછો થશે. ખરેખર ઘણાં સમયથી નોનસ્ટોપ ફ્લાઇટની જરૂર હતી. મેં પણ અમદાવાદ – લંડન વચ્ચેની નોનસ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટની પીટીશનના ફોર્મમાં સહી કરી હતી અને અને આ ભગીરથ કાર્ય માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને 'ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સીબી પટેલને અભિનંદન આપું છું.'
હવે આ ફ્લાઇટ કદી બંધ નહિં થાય: રિક્ષીતભાઇ રાય
પુત્ર ધીર અને દિકરી નાઇસા સાથે રજાઅોમાં વડોદરાની મુલાકાતે જઇ રહેલા સાઉથ લંડનના થોર્નટન હીથમાં વસતા રિક્ષીતભાઇ રાય અને ઉમેશાબેન રાયે ઉત્સાહભેર જણાવ્યું હતું કે 'અમે દર વર્ષે ગુજરાત રજાઅો ગાળવા જઇએ છીએ. અમારે દર વખતે મુંબઇ કે દિલ્હીમાં ચારથી વધારે કલાક રોકાણ કરવું પડતું હતું. નાના બાળકો સુતા હોય ત્યારે પ્લેન બદલવું, લગેજ ફેરવવું ખરેખર બધું ખૂબજ તકલીફ આપતું હતું. સમયનો બગાડ તો થતો જ હતો સાથે બાળકોની તકલીફ પણ વધી જતી હતી. વધુ ભાડુ ચૂકવીને પણ હું આવી નોનસ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ જ પસંદ કરીશ. તમે લંડનથી બેસો અને અમદાવાદ નવ કલાકમાં ઉતરવા મળે તેનાથી વધુ સારૂ શું હોઇ શકે. જેમ જેમ લોકોને સગવડ મળશે તેમ તેમ વધુને વધુ લોકો આ નોનસ્ટોપ ફ્લાઇટનો ઉપયોગ કરશે અને મારા માનવા મુજબ હવે કદી બંધ નહિં થાય. અમે પણ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ચલાવાયેલી લડતમાં પૂરો સાથ આપ્યો હતો. આ લડત ચલાવવા માટે દર અઠવાડીયે પાના ભરીને પીટીશન ફોર્મ છાપવામાં આવતા હતા અને સમાચારો પ્રસિધ્ધ કરાતા હતા. એક પેપર તરીકે તમે ખરેખર ખૂબજ સારૂ કાર્ય કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ પોતાનું વચન પાળી બતાવ્યું છે.'
અમને તો ઇમર્જન્સીમાં ફ્લાઇટ કામ લાગી: નરેશભાઇ અને હેમાંગભાઇ
પૂ. પ્રમુખ સ્વામીના દેહાંત બાદ દર્શન કરવા અમદાવાદ જઇ રહેલા નરેશભાઇ અને હેમાંગભાઇ નામના બે મિત્રોએ જણાવ્યું હતું કે 'જુઅો આજે અમદાવાદ – લંડન વચ્ચેની નોનસ્ટોપ સીધી ફ્લાઇટ શરૂ થઇ છે તો અમે ઇમર્જન્સીમાં ટૂંકા ગાળા માટે પણ અમદાવાદ જઇ શકીએ છીએ. જો આ ફ્લાઇટ ન હોય તો તમે વિચારો કે અમારા સમયનો કેટલો બગાડ થાય. ગુજરાતનો વેપાર અને વિકાસ જે રીતે થઇ રહ્યો છે તે જોતાં અમદાવાદ – લંડન - નેવાર્કની આ નોનસ્ટોપ ફ઼લાઇટને ખૂબ જ સફળતા મળશે.' તેમણે ગુજરાત સમાચાર દ્વારા ચલાવવામાં આવેલી ડાયરેક્ટ ફ્લાઇટની લડતની સરાહના કરી BASP સ્વામીનારાયણ મંદિર ખાતે પીટીશર્ન ફોર્મમાં સહીઅો કરાવવાની ઝુંબેશમાં પોતે સહભાગી બન્યા હોવાની યાદ તાજી કરી હતી.
હવે નવમા કલાકે અમદાવાદમાં હોઇશું: રાજેશભાઇ મહેતા
સાઉથ ઇસ્ટ લંડનના ફોરેસ્ટ હિલ ખાતે રહેતા અને પોતાના દિકરી શ્રેયાબહેન સાથે અમદાવાદ જઇ રહેલા રાજેશભાઇ એન. મહેતાએ જણાવ્યું હતું કે 'લંડન – અમદાવાદ વચ્ચે દસેક વર્ષ બાદ શરૂ થઇ રહેલી આ ડાયરેક્ટ ફ્લાઇટમાં અમદાવાદ જવા માટે તો મેં અમારી મુસાફરી ૭ દિવસ પાછી ઠેલી હતી. સાહેબ, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જેમ ફીલ્મ જોવાનો આનંદ હોય તેવો જ આનંદ આજે સૌ પ્રથમ નોનસ્ટોપ ફ્લાઇટનો છે. મને ટિકીટના ભાવની કોઇ જ ફિકર નથી. જો મારો સમય બચતો હોય, આરામ મળતો હોય તો શા માટે હું નોન સ્ટોપ ફ્લાઇટમાં મુસાફરી ન કરું? પહેલા ૧૫થી ૨૪ કલાક બગાડવા પડતા હતા. હવે તો તમને અમદાવાદ જવાની ઇચ્છા થાય કે તેમ ઘરેથી બેગ લઇને એરપોર્ટ પહોંચો અને નવમા કલાકે તો અમદાવાદની ધરતી પર હો.'
તેમણે જણાવ્યું હતું કે 'ગુજરાત સમાચાર' દ્વારા આ હેતુ માટે ખૂબજ જહેમત ઉઠાવાઇ હતી અને મોદીજીએ આ પ્રાણ પ્રશ્નને સમજીને ફ્લાઇટ શરૂ કરાવી તે સૌ માટે આનંદ સાથે ગૌરવની વાત છે. ગુજરાત સમાચારે બે વખત શરૂ કરેલી સહી ઝુંબેશમાં અમે પણ સપરિવાર મિત્રો સાથે સાથે સાથ પુરાવ્યો હતો અને છેલ્લે ૧૩ સદસ્યો અને મિત્રોએ સહીઅો કરીને સંગત સેન્ટરના કાંતિભાઇ નાગડાને પહોંચાડી હતી.'
ગુજરાતીઅો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે: પરેશભાઇ રૂઘાણી
મોટીવેશનલ સ્પીકર શ્રી પરેશભાઇ રૂઘાણીએ જણાવ્યું હતું કે 'હું પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો ચુસ્ત અનુયાયી અને સમર્થક છું. બાપાના નિધનના સમાચાર જાણ્યા ત્યારથી મારે સારંગપુર જવું હતું. આજથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ તેથી મને અમદાવાદ જવા માટે ખૂબ જ આસાની થઇ છે. ગુજરાતીઅો માટે અાજે સોનાનો સૂરજ ઉગ્યો છે. અાપણા ગુજરાતી પ્રવાસીઅો, વૃધ્ધો અને ખાસ કરીને વ્હીલચેરવાળા વડીલોની મુસીબતોનો અંત અાવી ગયો એથી વડીલો તો ખૂબ ખુશ થશે.'
અમેરિકા-લંડનના મુસાફરોને જબરદસ્ત આવકાર: તારા નાયડુ
નેવાર્ક – લંડન - અમદાવાદ જતી એરઇન્ડિયાની ફલાઇટમાં જવા ઉત્સુક પ્રવાસીઅોનું પોતાના સાથીઅો સાથે સ્વાગત કરી રહેલા એર ઇન્ડિયાનાં યુ.કે. અને યુરોપનાં રીજીયોનલ મેનેજર સુશ્રી તારા નાયડુએ 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ને અાપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે 'અાજથી લંડન-અમદાવાદની અા ફલાઇટ શરૂ થતાં અમે સૌ ખૂબ જ ખુશ છીએ. ગઇકાલે સોમવારે અમદાવાદથી સૌ પ્રથમ નોનસ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ અહી ઉતરી હતી. આજે નેવાર્કથી આવનારી ફ્લાઇટ અહી ઉતરશે અને મુસાફરોને લઇને અમદાવાદ જશે ત્યારે એક નવો અધ્યાય શરી થશે. આ ફ્લાઇટ શરૂ થવાથી સૌ મુસાફરોને વિમાન બદલવું નહી પડે. કોઇ લગેજ કે હેન્ડબેગ પણ ઉતારવી નહિં પડે અને માત્ર ૯ કલાકમાં સૌ અમદાવાદ પહોંચી જશે. જેનાથી બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો, વડિલો, બિઝનેસમેન અને પ્રોફેશન્લસને ખૂબજ ફાયદો થશે. અમે આ ફ્લાઇટ માટે ડ્રીમલાઇનર વાપરવાના છીએ અને આ વિમાન સૌ પ્રથમ વખત અમેરિકા જઇ રહ્યું છે.'
તારાજીએ જણાવ્યું હતું કે 'ગઇ કાલે અમદાવાદથી ફ્લાઇટ આવી તેમાં ઇન્ટરનેશનલ મુસાફરો મોટી સંખ્યામાં હતા અને અજે આખી ફ્લાઇટ ફૂલ છે. અમેરિકાથી અને લંડનથી મુસાફરો મોટી સંખ્યામાં અમદાવાદ જતા હોવાથી અમને પૂરતા મુસાફરો મળી રહેશે અને ડ્રીમલાઇનર હોવાના કારણે ઇંધણમાં પણ અમને બચત થશે, જે સરવાળે ફ્લાઇટ ચલાવવા માટે મદદરૂપ થશે. અમે આ ફ્લાઇટમાં ગુજરાતી ભોજન પણ પૂરૂ પાડનાર છીએ અને મનોરંજન માટે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી કાર્યક્રમો પણ જોઇ શકાશે. અમે આ ફ્લાઇટ માટે કોઇ જ વધારે ચાર્જ વસુલ કરતા નથી અને જેમણે અગાઉથી ટિકીટ બુક કરાવી હશે તેઅો વ્યાજબી ફી ભરીને પોતાની ટીકીટનો રૂટ બદલી શકશે.'
સુશ્રી નાયડુએ જણાવ્યું હતું કે 'હીથરો એરપોર્ટ પરનો ટ્રાફિક અને સ્લોટ જોતાં અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઇટના દિવસો વધારવાનું હાલના તબક્કે મુશ્કેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ ફ્લાઇટની શરૂઆત કરવા વચન આપ્યું હતું અને હું જે રીતે અત્યારે પેસેન્જર ટ્રાફીક જોઇ રહી છું તે જોતાં આ ફ્લાઇટ ભવિષ્યમાં બંધ થાય તેવી શક્યતા જૂજ છે.'
તારાજીએ લંડન-અમદાવાદની સીધી ફલાઇટ માટે લાંબા સમય સુધી ઝુંબેશ ચલાવનાર 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ'ના તંત્રી સી.બી. પટેલને અભિનંદન પાઠવી તેમની સેવાને બિરદાવી હતી. રેડિયો, ટી.વીના પ્રત્રકારોએ પણ એર ઇન્ડિયાના અધિકારીઅો, સી.બી પટેલ અને ન્યુઝ એડિટર કમલ રાવનો લાઇવ ઇન્ટરવ્યુ કર્યો હતો.


