લંડન કરચોરીનું મહાસ્વર્ગ

Wednesday 13th October 2021 07:24 EDT
 
 

લંડનઃ નાણાકીય પારદર્શિતાના હિમાયતીઓ બ્રિટનને મની લોન્ડરિંગ અને કરચોરી વિરુદ્ધ મજબૂત સુરક્ષાને વધુ કડક બનાવવાની હાકલ કરી રહ્યા છે કારણકે પેન્ડોરા પેપર્સમાં બ્રિટિશ રાજધાની લંડન વિશ્વના ધનવાનો અને સૌથી શક્તિશાળી લોકો માટે ધન છુપાવવાનું પસંદગીનું સ્થળ હોવાનું સ્પષ્ટ થયું છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ યુકે દ્વારા બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સ અને કેમેન આઈલેન્ડ્સ જેવાં યુકેના ઓફશોર ફાઈનાન્સિયલ કેન્દ્રો પર સાચા માલિકોની ઓળખ છતી કર્યા વિના જ કંપનીઓ દેશમાં પ્રોપર્ટીઝ ધારણ કરી શકે તેવાં કાનૂની છીંડા બંધ કરવા સરકારને આગ્રહ કરાયો છે.

ટ્રાન્સપરન્સી ગ્રૂપ ગ્લોબલ વિટનેસ દ્વારા ૨૦૧૯માં જણાવાયું હતું કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૮૭,૦૦૦ પ્રોપર્ટીઓ ટેક્સ હેવન્સમાં નોંધાયેલી અનામી કંપનીઓની છે. આમાંની ૪૦ ટકા પ્રોપર્ટીઓ તો લંડનમાં છે. આ સંપત્તિઓનું જ કુલ મૂલ્ય ૧૦૦ બિલિયન પાઉન્ડ (૧૩૫ બિલિયન ડોલર)થી વધારે થાય છે. લંડનમાં આ પ્રકારના બિઝનેસીસ માટેની અત્યંત અત્યાધુનિક ઇકોસિસ્ટમ છે. આવી ઇકોસિસ્ટમ કરચોરોને મદદકર્તા છે, જેમાં વેલ્થ મેનેજમેન્ટ ફર્મ્સની રચનાથી લઈને હાઈ એન્ડ વકીલો અને દાયકાઓની અનુભવી હિસાબી પેઢીઓ છે.

આ પ્રકારની પ્રોપર્ટી માટે જાણીતા વિસ્તારોમાં વેસ્ટમિનિસ્ટર, કેમડેન, કેન્સિંગ્ટન અને ચેલ્સીનો સમાવેશ થાય છે. ઘણી પ્રાઇમ પ્રોપર્ટીઝ તો લંડનના હાર્દ સમા વિસ્તારમાં આવેલી છે. લંડનના સંઘર્ષ કરી રહેલા પ્રોપર્ટી માર્કેટે પણ વિશ્વના તવંગરોને તેમની મિલકત છૂપાવવાની તક પૂરી પાડી છે. તાજેતરના વર્ષોમાં રશિયાના અબજોપતિઓએ ઘણી બધી મિલકત લંડનમાં ખરીદી છે. દાયકાઓથી યુ.કે.ના સત્તાવાળાઓએ મૂડી અને પ્રતિભાઓને આકર્ષવા પ્રોપર્ટી માર્કેટ સંદર્ભે જે હળવો અભિગમ અપનાવ્યો છે, તે હવે તેની પ્રતિષ્ઠા ખરડી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter