લંડન કેટલું સુરક્ષિત?: વિરોધાભાસી દાવાઓ વચ્ચે વાસ્તવિકતા

નાઇફ ક્રાઇમ, સેક્સ્યુઅલ ઓફેન્સ, ફોન ચોરી, શોપ લિફ્ટિંગ સહિતના અપરાધોમાં છેલ્લા એક દાયકામાં વધારો નોંધાયો

Tuesday 20th January 2026 09:12 EST
 
 

લંડનઃ લંડનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વડા અને નેતાઓ દ્વારા વિરોધાભાસી દાવા કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં મેટ્રોપોલિટન પોલીસના વડાએ લંડનને વિશ્વની સૌથી સુરક્ષિત રાજધાની પૈકીનું એક ગણાવ્યું તો બીજીતરફ રિફોર્મ યુકે દ્વારા મેયરપદની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરાયેલા લૈલા કનિંગહામે લંડન હવે સુરક્ષિત શહેર રહ્યું નથી તેવો આરોપ મૂકી ક્રાઇમ સામે ઓલ આઉટ વોર જાહેર કર્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ લંડનની સ્થિતિ અંગે ટીકા કરી ચૂક્યા છે. જોકે મેયર સાદિક ખાન ટીકાકારો પર વળતો પ્રહાર કરતાં કહે છે કે લંડનમાં હત્યાનો દર છેલ્લા 10 વર્ષની નીચી સપાટી પર આવી ગયો છે. ઘણા લોકો લંડનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ પુરાવા અલગ જ વાત કરે છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે લંડનની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાસ્તવિક આંકડા શું સૂચવે છે તેના પર એક નજર નાખવી જોઇએ.

નાઇફ ક્રાઇમ

સાદિક ખાનના દાવા છતાં છેલ્લા એક દાયકામાં લંડનમાં ચાકૂ અથવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાના અપરાધોમાં વૃદ્ધિ થઇ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર 2015-16માં લંડનમાં નાઇફ ક્રાઇમની 9752 ઘટના નોંધાઇ હતી જે વર્ષ 2024-25માં વધીને 16,344 પર પહોંચી હતી. 2023-24ની સરખામણીમાં 2024-25માં નાઇફ ક્રાઇમમાં 8 ટકાનો વધારો નોંધાયો હતો.

સેક્સ્યુઅલ ઓફેન્સ

લંડનમાં વર્ષ 2015-16માં 16,147 સેક્સ્યુઅલ ઓફેન્સ નોંધાયા હતા. 10 વર્ષમાં એટલે કે 2024-25માં આ આંકડો વધીને 26,803 પર પહોંચી ગયો હતો. જોકે 2021-22 પછી આ પ્રકારના અપરાધમાં દર વર્ષે ઘટાડો નોંધાતો રહ્યો છે.

ફોનની ચોરી

લંડનવાસીઓ સૌથી વધુ સામનો કરી રહ્યાં હોય તો તે ફોન ચોરીના અપરાધો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે ગયા વર્ષે લંડનને ફોન ચોરી માટેનું ગ્લોબલ હબ જાહેર કર્યું હતું. પોલીસ અનુસાર 2019 પછી ફોન ચોરીની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે. 2019માં 91,481ની સામે 2024માં ફોન ચોરીની 1,17,211 ઘટના નોંધાઇ હતી.

શોપ લિફ્ટિંગ

તાજેતરના વર્ષોમાં શોપ લિફ્ટિંગના અપરાધોમાં વધારો નોંધાયો છે. 2023ની સરખામણીમાં 2024માં શોપ લિફ્ટિંગની ઘટનાઓમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. ઓએનએસ અનુસાર 2024માં શોપ લિફ્ટિંગની 90,000 ઘટના નોંધાઇ હતી જે 2023માં 58,000 હતી.

કુલ અપરાધ

લંડનમાં 2024-25માં કુલ 9,51,803 અપરાધ નોંધાયા હતા. તેના આગળના વર્ષમાં આ સંખ્યા 9,38,020 હતી. તેનો અર્થ એ કે લંડનમાં ગયા વર્ષમાં પ્રતિ 1000 વ્યક્તિએ 106 અપરાધ નોંધાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હિંસક અપરાધોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ચોરી, શોપ લિફ્ટિંગ અને લૂટ જેવા અપરાધો ચિંતાનો વિષય છે.

લંડનમાં માઝા મૂકતું શોપ લિફ્ટિંગનું દુષણ

લંડનમાં શોપ લિફ્ટિંગનું દુષણ માઝા મૂકી રહ્યું છે. હવે તો ઉઠાવગીરો સનગ્લાસ, સિન્ક, ડિસ્પોઝેબલ વેપ્સની સાથે સાથે વોશિંગ મશીન પણ ઉઠાવી રહ્યાં છે. 2025માં સૌથી વધુ ચોરાયેલી વસ્તુઓમાં ખાદ્યપદાર્થો, ટોઇલેટરિઝ અને આલ્કોહોલ હતાં. કપડાં અને કન્ફેક્શનરી આઇટમ્સની ચોરીમાં પણ 3 ગણો વધારો થઇ ચૂક્યો છે. શોપ લિફ્ટર્સ રેડિએટર્સ, પેટ્સ, લોટરી ટિકિટ અને પ્લાન્ટ માટેની હેન્ગિંગ બાસ્કેટને પણ છોડી રહ્યાં નથી. શોપ લિફ્ટિંગમાં સામેલ ક્રિમિનલ ગેંગો વધુ સ્માર્ટ બની ચૂકી છે. તેઓ સારી રીતે જાણે છે કે કઇ મોંઘી વસ્તુઓ સહેલાઇથી વેચી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter