લંડન પર અણુહુમલો કરી વિનાશ વેરવાની રશિયન નેતાઓની ધમકી

Wednesday 26th January 2022 04:46 EST
 
 

લંડનઃ રશિયન રાજકારણીઓએ લંડન પર અણુહુમલો કરી વિનાશ વેરવાની ધમકી આપી છે. યુક્રેન સરહદે રશિયન કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનું ચાલુ રખાય તો પશ્ચિમી વિશ્વને તહસનહસ કરી નાખવાની ગંભીર ધમકી અલ્ટ્રા રાષ્ટ્રવાદી રશિયન રાજકારણીઓ દ્વારા અપાઈ છે. આવા ઉશ્કેરાટથી નવા યુરોપિયન સંઘર્ષનો ખતરો સર્જાયો છે. ટીવી હોસ્ટે બોરિસ જ્હોન્સનને પ્રસિદ્ધ ડાન્સર ગણાવી ઠેકડી ઉડાવી હતી.

યુક્રેન પર રશિયન આક્રમણનો ખતરો છે ત્યારે બ્રિટને યુક્રેનને સેલ્ફ ડિફેન્સ શસ્ત્રો પૂરા પાડ્યા છે. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધ ખેલાય તો પોતાના સશસ્ત્ર દળો મોકલવાનો યુકેએ ઈનકાર કર્યો છે. ફાયરબ્રાન્ડ રાજકારણી અને જમણેરી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા વ્લાદિમિર ઝિરિનોવસ્કીએ ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશો પ્રેસિડેન્ટ પુતિનની સિક્યુરિટી માગણીઓ નહિ સ્વીકારે તો યુદ્ધ અનિવાર્ય છે જેમાં ન્યૂ યોર્ક અને યુરોપના લંડન સહિતના મુખ્ય શહેરોનો વિનાશ સર્જાશે.

સત્તાવાર સરકારી ચેનલ Rossiya 1 પર બોલતા ૭૫ વર્ષીય ઝિરિનોવસ્કીએ કહ્યું હતું કે નિરાકરણ માત્ર બળથી જ આવશે. તેઓ આખરી વખત પાર્ટી, શેમ્પેન, વ્હીસ્કીની મોજ માણે છે... માનવતા અને યુરોપ માટે મોટી ટ્રેજેડી આવશે. યુરોપમાં સશસ્ત્ર સંઘર્ષથી લાખોના મોત થશે.’ રશિયાના પ્રમુખપદ માટે છ વખત ચૂંટણીના ઉમેદવાર ઝિરિનોવસ્કીએ લંડનના વિનાશની વાત કરી સ્કોટલેન્ડ, વેલ્સ અને આયર્લેન્ડને છોડી દેવાશે તેમ પણ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, યુરોપનો કેટલોક વિસ્તાર અદશ્ય થઈ જશે. બધા શહેરો નહિ પરંતુ, કીવ, વોર્સો, રિગા ટાલિન અને રશિયાવિરોધી પ્રચારના કેન્દ્ર લંડનનો નાશ થશે.

ક્રેમલિનતરફી ટીવી હોસ્ટ વ્લાદિમિર સોલોવ્યોવે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર જ્હોન્સન લંડનના મેયર હતા તે સમય ૨૦૧૩માં લંડન એસેમ્બલી સ્ટાફ માટેની ક્રિસમસ પાર્ટીનો વીડિયો દર્શાવ્યો હતો જેમાં, જ્હોન્સન એસેમ્બલી મેમ્બર સાથે ડાન્સ કરી રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter