લંડન પોલીસમાં અપરાધિક તત્વોની સાફસૂફી શરૂ, સેંકડો પર તોળાતી બરતરફીની તલવાર

1000થી વધુ પોલીસકર્મી સેક્યુઅલ અને ડોમેસ્ટિક એબ્યુઝના આરોપોનો સામનો કરી રહ્યાં છે

Wednesday 25th January 2023 06:17 EST
 
 

લંડન

બ્રિટનના સૌથી સીનિયરપોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સેક્સ્યુઅલ અને સ્થાનિક અત્યાચારોના આરોપોનો સામનો કરી રહેલા લંડન પોલીસના સેંકડો અધિકારીઓને બરતરફ કરાય તેવી સંભાવના છે. તેમણે પોલીસ વિભાગને જનતાનો વિશ્વાસ પુનઃસંપાદિત કરવાની અપીલ કરી છે. ડેવિડ કેર્રિક નામના પોલીસ અધિકારીએ છેલ્લા બે દાયકામાં 24 મહિલાઓ પર બળાત્કાર કર્યાની કબૂલાત કર્યા બાદ લંજનની મેટ્રોપોલિટન પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. લંડન પોલીસમાં આ એકમાત્ર કેસ નથી. 43000 કર્મચારી ધરાવતી લંડન પોલીસમાં ગંભીર અપરાધો આચરનારા ઘણા કર્મચારીઓના કરતૂત સામે આવી શકે છે.

લંડન પોલીસમાં સાફસૂફી માટે 4 મહિના પહેલાં જ નિયુક્ત કરાયેલા કમિશ્નર માર્ક રાઉલીએ જણાવ્યું હતું કે, 1000 કરતાં વધુ સેક્સ્યુઅલ અને અન્ય અપરાધોની ફરિયાદોમાં 800 પોલીસ અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. તપાસની પ્રક્રિયામાં ઘણા અધિકારીઓને ઘેર બેસાડવામાં આવે તેવી સંભાવના છે. એવા સેંકડો કર્મચારી છે જેઓ પોલીસ વિભાગમાં કામ કરવાને યોગ્ય નથી. ભ્રષ્ટાચાર અને વંશીય ભેદભાવના કલ્ચરના કારણે લંડન પોલીસમાંથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે.

પોલીસના તમામ વિભાગોને મહિલાઓ વિરુદ્ધ અપરાધો કરનારા અને સ્થાનિક સ્તરે શોષણ કરનારા કર્મચારીઓને શોધી કાઢવાની સૂચના અપાઇ છે. હાલ લંડન પોલીસમાં 1000 કરતાં વધુ અધિકારી અને કર્મચારી છે જેમની સામે ગંભીર અપરાધોની ફરિયાદો થઇ છે તેમ છતાં હજુ તેમની સામે કોઇપ્રકારની કાર્યવાહી થઇ નથી. નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલે નેશનલ પોલીસ ડેટાબેધ વિરુદ્ધ કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

મહિલાઓને બ્રિટિશ પોલીસ પર જરાપણ વિશ્વાસ રહ્યો નથી

મેટ્રોપોલિટન પોલીસ મહિલાઓનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. નવેમ્બર 2021માં પોલીસ અધિકારી દ્વારા એવરાર્ડની હત્યા બાદ ફક્ત 29 ટકા મહિલાઓને જ પોલીસ પર વિશ્વાસ રહ્યો હતો. ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર દ્વારા શારીરિક હેરાનગતિનો ભોગ બનેલી ક્રિસ્ટિના ઓકોનર કહે છે કે મને હવે એમ લાગે છે કે સડક પર કોઇ અજાણ્યા માણસ કરતાં કોઇ પોલીસ કર્મચારી મને વધુ નુકસાન પહોંચાડી શકે છે. તેમની પાસે તમામ પ્રકારની સત્તા છે અને તેઓ મને ભયભીત કરે છે. એક રિપોર્ટ અનુસાર દેશભરમાં કેટલાક પોલીસ અધિકારીઓ તેમના હોદ્દાન દુરુપયોગ કરીને મહિલાઓ વિરુદ્ધ અપરાધો આચરી રહ્યાં છે. તેમની સામે યોગ્ય કાર્યવાહી પણ કરાતી નથી. 20 ટકા અધિકારીઓને નિર્દોષ છોડી મૂકવા સામે પણ સવાલો સર્જાયાં છે. મહિલાઓ કહે છે કે કલંકિત પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાશે તો જ તેમનો પોલીસ પરનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.

90 ટકા કલંકિત પોલીસ અધિકારીઓ હજુ નોકરી પર કાર્યરત

બ્રિટિશ પોલીસ હાલ 1071 પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સામે નોંધાયેલી 1633 સેક્સ્યુઅલ વાયોલન્સની ફરિયાદોની તપાસ કરી રહી છે. સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નેશનલ પોલીસ ડેટાબેઝની સામે સ્ટાફના રેકોર્ડ તપાસીને આરોપોમાંથી છટકી ગયેલા પોલીસ અધિકારીઓની ઓળખ કરવાના આદેશ અપાયાં છે. મેટ ખાતેના 395 ઓફિસર અને સ્ટાફ પેકીના 90 ટકા વિરુદ્ધ ડિસેમ્બર 2020 સુધીના દાયકામાં ફરિયાદો થઇ હોવા છતાં તેઓ હજુ નોકરીમાં કાર્યરત છે. તેમની સામે કોઇ તપાસ કરાઇ નથી. આંકડા દર્શાવે છે કે કલંકિત પોલીસ કર્મચારીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ વિભાગમાં એવા ઘણા કર્મચારીઓ છે જેઓ નોકરી પર કાર્યરત રહેવાને લાયક નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter