લંડન બાદ હવે બર્મિંગહામમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલના સમર્થનમાં દેખાવો

ભારત સરકાર પંજાબમાં શિખો પર અત્યાચાર કરતી હોવાનો દેખાવકારોનો આરોપ

Tuesday 04th April 2023 13:13 EDT
 
 

લંડન

ભારતના પંજાબમાં મોટી સંખ્યામાં શિખોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાના વિરોધમાં બર્મિંગહામ ખાતે દેખાવો કરાયા હતા. દેખાવોમાં જોડાયેલા લોકોએ ભારતમાં સુરક્ષા એજન્સીઓથી નાસતા ફરતા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલના સમર્થનમાં પણ નારાબાજી કરી હતી. બીજી એપ્રિલના રવિવારના રોજ લેડીવૂડમાં ડાર્નલે રોડ પર સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલની કચેરી સામે આ જૂથે દેખાવો કર્યાં હતાં. ગયા સપ્તાહમાં લંડનમાં ભારતીય હાઇકમિશનની બહાર પણ ખાલિસ્તાનના સમર્થકો દ્વારા હિંસક દેખાવો કરાયાં હતાં.

દેખાવકારોએ આરોપ મૂક્યો હતો કે, ભારતના પંજાબમાં સરકાર દ્વારા શિખો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પંજાબની માહિતી બહાર ન જાય તે માટે ઇન્ટરનેટને લાંબા સમય સુધી બંધ કરી દેવામાં આવે છે. પંજબમાં સામુહિક ધરપકડો બાદ જાહેર સભાઓ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. દેખાવકારોએ જસ્ટિસ ફોર શિખ્સ અને સ્ટોપ વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ સ્ટેટ ટેરરિઝમ જેવા બેનરો સહિત અલગ ખાલિસ્તાનની તફેણ કરતાં બેનરો પણ પ્રદર્શિત કર્યાં હતાં.

ટિપટન સ્થિત એક્ટિવિસ્ટ અનુમિત કૌરે જણાવ્યું હતું કે, પંજાબમાં થઇ રહેલા અન્યાયનો વિરોધ કરવા માટે અમે અહીં એકઠાં થયાં છીએ. અમે પંજાબમાં યુવાપેઢીમાં સુધારા માટે કામ કરી રહેલા ભાઇ અમૃતપાલનું સમર્થન કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter