લંડનઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના પ્રકોપના કારણે એપ્રિલમાં યોજાનારી ૨૬.૨ માઈલની સૌથી મોટી લંડન મેરેથોન દોડ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને વધુ છ મહિના એટલે કે ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. લંડન મેરેથોનના ચાર વખતના વિજેતા એલીઅડ કિપ્છોગે સહિત હજારો દોડવીરો અને ચેરિટી સંસ્થાઓએ આ નિર્ણયથી નિરાશા વ્યક્ત કરી છે. પાંચ એપ્રિલે યોજાનારી માન્ચેસ્ટર મેરેથોન પણ મુલતવી રખાઈ હોવાનું જાહેર કરાયું છે. જોકે, ૨૬ એપ્રિલે યોજાનારી સાઉથમ્પ્ટન દોડ ચાલુ રહેશે.
વિશ્વમાં સૌથી મોટી ૨૬.૨ માઈલની મેરેથોન દોડ હવે એપ્રિલના બદલે ઓક્ટોબરની શરૂઆતમાં યોજાશે. લંડન મેરેથોન ઈવેન્ટ્સના ડાયરેક્ટર હ્યુજ બ્રાશરે જણાવ્યું હતું કે મહિનાઓથી તાલીમ લેતા દોડવીરોને નિરાશા થશે પરંતુ, ‘જાહેર આરોગ્ય દરેકની પ્રાથમિકતા’ છે. હજારો દોડવીરો અને ચેરિટી સંસ્થાઓ આ નિર્ણયથી નિરાશ થયા છે. આયોજકોએ જણાવ્યું છે કે વિશ્વના ૪૫,૦૦૦ દોડવીરોને આકર્ષતી લંડન મેરેથોન હવે ચોથી ઓક્ટોબરે યોજાશે.’
લંડન મેરેથોન ઈવેન્ટ્સના આયોજકોએ કહ્યું હતું કે દોડવીરો, તેઓ જેના માટે ભંડોળ એકત્ર કરવાના છે તેવી હજારો ચેરિટીઝ અને દોડસ્પર્ધાના લાખો દર્શકો માટે આ સમાચાર આઘાતજનક બની રહેશે. ૨૦૨૦ની વર્જિન મની લંડન મેરેથોનમાં સ્થાન મેળવનારા દરેક દોડવીરો વધુ કોઈ ફી ચૂકવ્યા વિના આગામી ઈવેન્ટમાં સામેલ થઈ શકશે. આ વર્ષે સ્થાન મેળવ્યાં છતાં નવી તારીખની સ્પર્ધામાં ભાગ લઈ ન શકે તો તેમને એન્ટ્રી ફી રિફન્ડ અપાશે અથવા તેઓ ઈચ્છે તો ધ લંડન મેરેથોન ચેરિટેબલ ટ્રસ્ટમાં દાન આપી શકે છે.
કોરોના રોગચાળાની સંભવિત અસરોને નજરમાં રાખી યુકેમાં બીજા ક્રમની પાંચ એપ્રિલની દોડસ્પર્ધા ૨૦૨૦ માન્ચેસ્ટર મેરેથોન પણ મુલતવી રખાઈ છે. આ દોડસ્પર્ધામાં ૨૫,૦૦૦ જેટલા દોડવીર ભાગ લેતા હોય છે. હવે તેઓ ઓટમમાં સ્પર્ધા યોજશે તેમ જાહેર કરાયું છે. જોકે, ૨૬ એપ્રિલે યોજાનારી સાઉથમ્પ્ટન દોડના આયોજકોએ ઈવેન્ટમાં આગળ વધવાની આશા દર્શાવી છે.