લંડન: વર્ષ 2026ની લંડન મેરેથોને ચેરિટીનું ભંડોળ એકઠું કરવામાં નવો અધ્યાય લખ્યો છે. આ વર્ષે આ ઇવેન્ટ દ્વારા ચેરિટી માટે વિક્રમી 87.5 મિલિયન પાઉન્ડ એકત્ર કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધીનો કોઈપણ એક દિવસીય ભંડોળ એકઠું કરવાની ઇવેન્ટ માટેનો વિશ્વ વિક્રમ છે.
આયોજકોના જણાવ્યા અનુસાર આ રકમ ગત વર્ષના 87.3 મિલિયન પાઉન્ડના રેકોર્ડને વટાવી ગઈ છે. વર્ષના અંત સુધીમાં આ આંકડો 90 મિલિયન પાઉન્ડને પાર કરી જાય તેવી શક્યતા છે. આ વર્ષે કુલ 59,830 રનર્સે ફિનિશ લાઇન પાર કરી હતી, જે કોઈપણ મેરેથોન માટે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.
લંડન મેરેથોન ઇવેન્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ હ્યુ બ્રેશરે આ દિવસને અસાધારણ ગણાવતા તમામ રનર્સ અને દાતાઓનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, ભલે તે રમતગમતના રેકોર્ડ્સ હોય કે માનવતા માટે એકઠું થયેલું ભંડોળ, આ ઇવેન્ટે સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે. ભંડોળનો અંતિમ આંકડો સપ્ટેમ્બર મહિનામાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.


