લંડન વિદ્યાર્થીઓ માટે સૌથી સારા શહેરોની યાદીમાં પ્રથમઃ ભારતના બેંગલુરૂને સ્થાન

૮૧મા સ્થાને બેંગલુરુ પછી મુંબઈ ૮૫, દિલ્હી ૧૧૩ અને ચેન્નાઇ ૧૧૫મા સ્થાને

Wednesday 07th August 2019 03:17 EDT
 
 

લંડનઃ ગ્લોબલ એજ્યુકેશન કન્સલ્ટન્સી ફર્મ ક્વાક્વારેલી સાયમન્ડ્સ (QS) દ્વારા જાહેર કરાયેલી વિશ્વમાં વિદ્યાર્થીઓ માટે સૌથી સારા શહેરોની યાદીમાં ગત વર્ષની માફક આ વર્ષે પણ લંડન સૌપ્રથમ ક્રમે છે. ટોપ-૧૨૦માં ભારતના ચાર શહેર બેંગલુરૂ, દિલ્હી અને ચેન્નાઇને પણ સ્થાન મળ્યું છે. આ રેન્કિંગ કોઇ શહેરમાં સારી યુનિવર્સિટીની સંખ્યા, શહેરની વસ્તીમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ, ગ્રેજ્યુએશન પછી રોજગારના અવસર, જીવનની ગુણવત્તા અને ચીજવસ્તુઓના ઓછાં ભાવ તેમજ વિદ્યાર્થીઓના ફીડબેકના આધાર પર નિર્ધારિત કરવામાં આવે છે. ક્યૂએસ દ્વારા આ લિસ્ટ તૈયાર કરવા માટે વિશ્વના લગભગ ૮૭,૦૦૦ વિદ્યાર્થીની પ્રતિક્રિયા લેવાઈ હતી.

સતત બીજા વર્ષે પ્રથમ આવેલા લંડન પછી ટોપ-૧૦ની યાદીમાં ટોક્યો (૨), મેલબોર્ન (૩), મ્યુનિચ (૪), બર્લિન (૫), મોન્ટ્રીઅલ (૬), પેરિસ (૭), ઝ્યુરિચ (૮), મ્યુનિચ (૯) અને સીઓલ (૧૦)નો સમાવેશ થયો છે. ટોપ-૧૨૦ શહેરની યાદીમાં ભારતનું બેંગલુરુ ૮૧મા સ્થાન સાથે વિદ્યાર્થીઓ માટે સૌથી સારું શહેર છે. બેંગલુરુ પછી મુંબઈ ૮૫, દિલ્હી ૧૧૩ અને ચેન્નાઇ ૧૧૫મા સ્થાને આવે છે. લિસ્ટમાં યુએસ અને યુકેના ૧૪-૧૪ તેમજ ઓસ્ટ્રેલિયાના ૭ શહેર સામેલ છે. એશિયાના અન્ય શહેરોમાં હોંગકોંગ ૧૪મા, ચીનનું બીજિંગ ૩૨મા અને શાંઘાઇ ૩૩મા ક્રમે છે. બ્રિટનના અન્ય બે શહેર એડિનબરા (૧૫) અને માન્ચેસ્ટર (૨૯) યાદીમાં ટોપ-૩૦ શહેરોમાં આવે છે

લંડનના પાકિસ્તાની મૂળના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘ વિશ્વમાં વિદ્યાર્થીઓ માટે સારાં નગર તરીકે લંડન બીજી વાર સ્થાન પામ્યું છે તે અદ્ભૂત સમાચાર છે. તેમાં નવાઈ નથી કારણકે વિશ્વની ઉચ્ચસ્તરીય શિક્ષણસંસ્થાઓ અને જોશપૂર્ણ સાંસ્કૃતિક જીવન લંડનમાં છે. વિશ્વભરના વિદ્યાર્થીઓ અને પ્રતિભાઓ માટે લંડન ખુલ્લું છે.’

ભારતથી ૪૫૪૫ વિદ્યાર્થી ૨૦૧૬-૧૭માં અભ્યાસાર્થે લંડન આવ્યા હતા જે સંખ્યા ૨૦૧૭-૧૮માં વધીને ૫,૪૫૫ થઈ હતી જે ૨૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે, યુકેના વિઝાનિયમો આકર્ષક નહિ હોવાથી ભારત જેવા વિશાળ વિદ્યાર્થીબજારનો ફાયદો મેળવી શકાતો નથી.

ક્યૂએસના રિસર્ચ ડાયરેક્ટર બેન સોટરે કહ્યું હતું કે, ‘અમારી રેન્કિંગ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પસંદગીના શહેરોને દર્શાવે છે. ભારતની પ્રાથમિકતા હમણાં તો આંતરિક વિકાસ અને ઉચ્ચ શિક્ષા સુધી વિદ્યાર્થીઓની પહોંચ વધારવાની છે. આથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમારા અમુક માપદંડમાં ભારતને નુકશાન થયું છે. આમ છતાં, ભારતના બેંગલુરુને અગ્રીમ શહેરોની યાદીમાં જોવુ એ સારી બાબત છે. મુંબઈ પણ અભ્યાસ માટે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થઇ રહ્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter