લંડન સ્થિત આંબેડકર ભવન માટે નવા આયોજનો અંગે ચર્ચા કરતા મહારાષ્ટ્રના મંત્રી રાજકુમાર બોડાલે

Tuesday 07th February 2017 12:04 EST
 
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ભારતીય હાઇમકમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી સુનિલ કુમાર, શ્રી બોડાલે તેમજ શ્રીમતી બોડાલે
 

મહારાષ્ટ્રના સોશ્યલ જસ્ટીસ અને સ્પેશ્યલ આસીસ્ટન્સ ડીપાર્ટમેન્ટના મંત્રી શ્રી રાજકુમાર બોડાલેએ તાજેતરમાં લંડન સ્થિત બાબાસાહેબ આંબેડકર ભવનની મુલાકાત લઇ ભવનને ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરિયલ તરીકે વિકસાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત લંડન સ્કૂલ અોફ ઇકોનોમિક્સ ખાતે બાબાસાહેબ આંબેડકારના નામે કાયમી ધોરણે 'ચેર' સ્થાપવા અને બે વિદ્યાર્થીઅોેને LSEમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા લંડન સ્કૂલ અોફ ઇકોનોમિક્સ સ્થિત સાઉથ એશિયન સેન્ટરના ડાયરેક્ટર સુશ્રી મુકાલિકા બેનર્જી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સુશ્રી બેનર્જીએ ટૂંક સમયમાં આ પ્રસ્તાવ આંગે પ્રતિભાવ પાઠવશે તેની ખાતરી આપી હતી.

તા. ૨૮ જાન્યુઆરીથી તા. ૧ ફેબ્રુઆરી દરમિયાન લંડનની મુલાકાતે પધારેલા શ્રી રાજકુમાર બોડાલેએ ડો. બાબાસાહેબ આંબેડકરે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે જ્યાં નિવાસ કર્યો હતો તે ૧૦ કિંગ હેન્રી રોડ સ્થિત ઘરની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ઘરને ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરિયલ તરીકે વિકસાવવા માટેનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષ પૂર્વે આ મકાન ખરીદી લીધું હતું અને વડાપ્રધાન મોદીએ તેમની લંડનની મુલાકાત દરમિયાન આ મેમોરિયલનો શુભારંભ કર્યો હતો.

શ્રી બોડાલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર આંબેડકર મેમોરિયલની રચના માટે આર્થિક સહાયતા સહિત સંપૂર્ણ મદદ કરવા તત્પર છે. મેમોરિયલના નિર્માણનું કાર્ય આગળ ધપે તે આશયે હાઇકમિશ્નર શ્રી યશવર્ધન કુમાર સિન્હાની ચેરમેન પદે મહારાષ્ટ્રના સોશ્યલ જસ્ટીસ અને સ્પેશ્યલ આસીસ્ટન્સ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી ડો. સુરેન્દ્રકુમાર બાગડે, ભારતીય હાઇકમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી સુનિલ કુમાર, ફેડરેશન અોફ આંબેડકરાઇટ એન્ડ બુધ્ધિસ્ટ અોર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ સુશ્રી સંતોષ દાસ તેમજ જોઇન્ટ સેક્રેટરી સી. ગૌતમ, શ્રી ગુરૂ રવિદાસ સભા, લંડનના પ્રેસિડેન્ટ શ્રી જોગરાજ આહિર તથા લંડનના સામાજીક કાર્યકર શ્રી સુખદેવ સહાય હીરાની સદસ્યતા ધરાવતી સલાહકાર સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. શ્રી બોદાલેએ સલાહકાર સમિતિના સદસ્યો સાથે બેઠક કરીને સૌને આંબેડકર ભવનના નિર્માણ માટેનું કાર્ય આગળ ધપાવવા તમામ સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

શ્રી બોડાલેએ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ને માહિતી આપતાં જણાવ્યું હતું કે અમે ૬ માસમાં આંબેડકર ભવનનું કાર્ય પૂર્ણ કરવા કટિબધ્ધ છીએ. હાલમાં મહારાષ્ટર સરકાર દ્વારા ૭૫ વિદ્યાર્થીઅોને વિદ્યાભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવ્યા છે. અમે ભવનના પ્રથમ માળે લાયબ્રેરી, રીસર્ચ સેન્ટર, કોન્ફરન્સ હોલ અને બીજા માળે મલ્ટીમીડીયા રૂમ, વીડીયો આર્કાઇવ્સ તેમજ બેડરૂમમાં બાબાસાહેબની તે સમયની જીવનચર્યા કેવી હતી તેની સમજ મુલાકાતીઅોને મળે તે માટે અમે 'અોડીયો ગાઇડ'નું નિર્માણ પણ કરનાર છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter