લંડનઃ લંડન સ્થિત 145 દેશોની એમ્બેસીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફ લંડન (ટીએફએલ)ને કન્જેશન ચાર્જ પેટે 161 મિલિયન પાઉન્ડ જેવી મોટી રકમ ચૂકવાઇ નથી. વિદેશી રાજદ્વારીઓ દ્વારા ટીએફએલને ન ચૂકવાઇ હોય તેવી રકમ જૂન 2025ના અંતે 160,918,455 પાઉન્ડ પર પહોંચી ગઇ હતી જે ગયા વર્ષની સરખામણીમાં 18 મિલિયન પાઉન્ડ વધુ છે. ટીએફએલને કન્જેશન ચાર્જ પેટે ચૂકવવાપાત્ર રકમની યાદીમાં અમેરિકા સૌથી વધુ 15,636,735 પાઉન્ડ સાથે પ્રથમ ક્રમે છે જ્યારે ભારત 9,730,745 પાઉન્ડ સાથે ચોથા સ્થાને છે. ફેબ્રુઆરી 2003માં તત્કાલિન મેયર કેન લિવિંગસ્ટન દ્વારા વિદેશી એમ્બેસીઓ પર કન્જેશન ચાર્જ અમલી બનાવાયો હતો. લંડનમાં હાલ વાહનચાલકો પાસેથી પ્રતિ દિવસ 15 પાઉન્ડ કન્જેશન ચાર્જ વસૂલવામાં આવે છે. 2 જાન્યુઆરી 2026થી આ ચાર્જ વધારીને 18 પાઉન્ડ કરાયો છે.