લંડનના 10 વર્ષથી નાના 10 લાખ બાળકોને પોલિયોનો બૂસ્ટર ડોઝ અપાશે

અમેરિકા અને ઇઝરાયેલમાં પણ પોલિયોના વાઇરસ મળી આવતાં વિશ્વમાં ફરી પોલિયોનો રોગચાળો માથું ઉંચકે તેવી સંભાવના

Wednesday 17th August 2022 05:36 EDT
 
 

લંડન

બાળકોને નિશાન બનાવતી ભયાનક પોલિયોની બિમારી 40 વર્ષ બાદ ફરી એકવાર બ્રિટનમાં માથુ ઉંચકે તેવી સંભાવના તોળાઇ રહી છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લંડનના આઠ પરા વિસ્તારોમાં 116 વાર પોલિયોના વાઇરસ મળી આવ્યા છે. જેના પગલે આરોગ્ય સત્તાવાળાઓએ લંડનના 10 વર્ષથી નાના 10 લાખ બાળકોને તાત્કાલિક પોલિયોની રસી મૂકવાનો પ્રારંભ કરાયો છે. અમેરિકા અને ઇઝરાયેલમાં પણ પોલિયોના વાઇરસ મળી આવતાં વિશ્વમાં ફરી એકવાર પોલિયોનો રોગચાળો ફાટી નીકળે તેવો ભય સેવાઇ રહ્યો છે. તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયેલના યરૂશાલમમાં પણ પોલિયોના વાઇરસ મળી આવ્યાં હતાં. બ્રિટનના આરોગ્ય સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, પોલિયોના વાઇરસને પ્રસરતો અટકાવવા અને બાળકોને પોલિયોના કારણે થતા લકવા સામે ઉચ્ચતમ સંરક્ષણ આપવા માટે લંડનમાં તાકિદના ધોરણે 10 વર્ષથી નાના બાળકોને પોલિયોનો બૂસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરાયો છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીના કન્સલ્ટન્ટ એપિડેમિલોજિસ્ટ ડો. વેનેસા સાલિબાએ જણાવ્યું છે કે લંડનમાં 1 થી 9 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીનો ડોઝ લેવાની જરૂર છે. અગાઉ પોલિયોની રસીનો ડોઝ લેનાર બાળકોને પણ આ ડોઝ લેવાનો રહેશે. આ ડોઝ લેવાથી બાળકોને લકવા સામે ઉચ્ચ સંરક્ષણ પ્રાપ્ત થશે. આ રસી અભિયાનના કારણે વાઇરસને વધુ ફેલાતો અટકાવી શકાશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકોને રસી મૂકવાના શિડ્યુલ અંગે હેલ્થ પ્રેકટિશનરો દ્વારા જાણ કરાશે.

ગયા મહિને ન્યૂયોર્કથી આવેલા એક વ્યક્તિ કે જેણે પોલિયોની રસી લીધી નહોતી તે લકવાનો ભોગ બન્યો હતો. દાયકાઓ બાદ લંડનમાં પોલિયોનો પહેલો કેસ મળી આવતાં અધિકારીઓએ ચેતવણી આપી છે કે આતો હિમશિલાની ટોચ હોઇ શકે છે. પોલિયોના વાઇરસથી અસરગ્રસ્ત થયેલા સેંકડો કેસ સામે ન આવ્યા હોય તેવી સંભાવના છે. બ્રિટનમાં પોલિયો સામે વ્યાપક રસી અભિયાન પછી દેશને 2003માં પોલિયો મુક્ત જાહેર કરાયો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે પોલિયોની રસી લેનારા લોકોમાં સંક્રમણની સંભાવના ઓછી રહે છે. જૂન મહિનામાં લંડનના વિવિધ પરાઓની ગટરોમાંથી પોલિયોના વાઇરસ મળ્યા બાદ આરોગ્ય સત્તાવાળાઓએ રાષ્ટ્રીય ચેતવણી જારી કરી હતી. બ્રિટનમાં વર્ષમાં એકવાર ગટરના સેમ્પલ લઇને વાઇરસ અંગે ચકાસણી કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2022થી લંડનના 8 પરા વિસ્તારોમાંથી લેવાયેલા સેમ્પલો પૈકીના 116 સેમ્પલમાં ટાઇપ ટુ પોલિયો વાઇરસ મળી આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓ હવે સુએજ સર્વેલન્સ વધારી રહ્યા છે.

પોલિયોની રસી ન લેનારા માટે આ વેક અપ કોલ છે – ડેવિડ હેમેન

લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર ડેવિડ હેમેન કહે છે કે, રસીકરણ ઝુંબેશ પોલિયોની રસી ન લેનારા માટે વેક અપ કોલ સમાન છે. પોલિયોનો વેક્સિનમાંથી જ તૈયાર થયેલો વાઇરસ બ્રિટન અને અમેરિકા સહિત વિશ્વભરના દેશોમાં ફરી માથુ ઉંચકી રહ્યો છે તેથી આ આપણા માટે સાવધાન થઇ જવાની ચેતવણી છે. બધા પુખ્તો કે બાળકો વેક્સિનના કારણે જ તૈયાર થયેલા આ વાઇરસના કારણે લકવાનો ભોગ બનવાના નથી પરંતુ જેમણે પોલિયોની રસી નથી લીધી તેઓ પર લકવાનું જોખમ રહેલું છે. તેઓ બ્રિટનમાં પોલિયોનો રોગચાળો ફેલાવવાના વાહક બની શકે છે.

કેટલાક વાઇરસ મ્યુટેટ થઇને ભયજનક બની ગયાં છે – UKHSA

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ સેમ્પલનું જિનેટિક એનાલિસિસ કર્યા પછી જણાવ્યું હતું કે, વાઇરસનો પ્રસાર હવે કેટલીક વ્યક્તિઓથી પણ આગળ વધી ગયો છે અને સામુદાયિક પ્રસારનો ભય તોળાઇ રહ્યોછે. મોટાભાગના સેમ્પલમાં મળી આવેલાવાઇરસ પોલિયોની સુરક્ષિત રસીના વાઇરસ છે પરંતુ કેટલાક સેમ્પલમાં ભયજનક બની શકે તે રીતે મ્યુટેટ થયેલા પોલિયોના વાઇરસ મળી આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter