લંડનઃ લંડનનું ગુજરાતી મૂળનું દંપતી ચાર વર્ષ પહેલાં ગુજરાતમાંથી 11 વર્ષના બાળક અને બનેવીની હત્યાના આરોપમાં ભારતમાં પ્રત્યાર્પણથી બચી ગયું હતું. આ દંપતી હવે આ મહિને હવે બ્રિટનની અદાલતમાં અન્ય અપરાધિક આરોપોનો સામનો કરી રહ્યું છે. હત્યાનો ભોગ બનેલા બાળકની 58 વર્ષની માતા આરતી ધીર અને પિતા કંવલ રાયજાદા (35) પર હવે બ્રિટનની રાષ્ટ્રીય એજન્સી એનસીએ દ્વારા ઓસ્ટ્રેલિયાને કોકઇન નિકાસ કરવાના તેમ જ મની લોન્ડરિંગના 12 કેસમાં આક્ષેપ થયા છે. બંને સામે 30 ઓક્ટોબરના રોજ લંડનની સાઉથવોક ક્રાઉન કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાશે. અગાઉ પોતાના જ બાળકની હત્યાના આરોપનો સામનો કરતા આ ગુજરાતી દંપતીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે કરેલા અનુરોધને બ્રિટીશ કોર્ટે ફગાવીને બંનેને મુક્ત કર્યા હતા
દંપતી પર આ પહેલાં આરોપ હતા કે તેમણે વર્ષ 2017માં દત્તક લીધેલા પુત્ર ગોપાલ સેજાણી અને તેના બનેવી હરસુખભાઇ કરદાણીની હત્યા કરી હતી. ગુજરાત પોલીસની તપાસમાં દાવો થયો હતો કે આરોપીઓએ ગોપાલને દત્તક લેવાનું પડયંત્ર રચ્યું હતું. તે પછી વીમાનો લાભ લેવા ભારતમાં બાળકનું અપહરણ અને હત્યા કરવાનું ષડયંત્ર રચતાં પહેલાં તેનો 1.3 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. ભારતે દંપતીના પ્રત્યાર્પણ માટે કરેલી અરજીને જુલાઇ 2019માં માનવ અધિકારને મુદ્દે ફગાવી દીધી હતી.


