લંડનઃ કોઈ જાતની ઉશ્કેરણી વિના જ બે અજાણી વ્યક્તિ દ્વારા હુમલાનો શિકાર બનેલા 37 વર્ષીય લંડન બાર મેનેજર ડેવ આનંદને 12 દિવસ સુધી ICUમાં મૂર્છાવસ્થામાં રહેવું પડ્યું હતું અને હવે તે બોલવાનો સંઘર્ષ કરી રહ્યો છે.
વોક્સૌલમાં પહેલી માર્ચે રાત્રે 9.30 વાગ્યે રિવરસાઈડ વોક પરની ઘટનામાં નોકરીની તક શોધવા નીકળેલા બાર મેનેજર અને તેનો મિત્ર પ્રીમાઈસીસની બહાર નીકળ્યા ત્યારે બે અજાણી વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. ડેવને જમણી આંખ પર મુક્કો વાગ્યા પછી તે પાછળની તરફ ઢળી પડતા તેનું માથું પેવમેન્ટ પર અથડાયું હતું. તેને ગંભીર હાલતમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેણે ICU માં 12 દિવસ સુધી કોમામાં ગાળવા પડ્યા હતા.
હુમલા પછી નીચે પછડાવાના કારણે ડેવની ગરદનમાં ફ્રેક્ચર થયું હતું અને મગજમાં લોહી ભરાઈ ગયું હતું અને આ લોહી બહાર કાઢવા તત્કાળ ઓપરેશન કરવું પડ્યું હતું. હવે તેની સારવાર ચાલી રહી છે પરંતુ, તે વારંવાર ભાન ગુમાવે છે અને તેણે ફરી બોલવા અને ચાલવાનું શીખવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં છથી આઠ મહિના લાગી શકે છે. તે બોલી શકતો નથી પરંતુ, સ્પીચ થેરાપિસ્ટ તેને મદદ કરી રહ્યા છે.
મૂળ મલેશિયાના ડેવ આનંદે લંડન આવ્યા પછી સંખ્યાબંધ બારમાં સીનિયર મેનેજરની ભૂમિકા ભજવી છે. તેઓ લંડનના બાર અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં જાણીતો ચહેરો ગણાય છે. 10 વર્ષથી ડેવ આનંદના મિત્ર રહેલા ફ્રાન્સિસ્કો ડી લિમાએ સારવારના ખર્ચ અને સહાય માટે ‘ગોફંડમી’ પેજ ઉભું કર્યું છે. બે દિવસમાં 4000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર થઈ હતી.
સ્કોટલેન્ડ યાર્ડે ઘટનાસ્થળેથી 18 વર્ષીય જુઆન એન્ટોનિયો ટોરો જારામિલ્લોની ધરપકડ કરી હતી અને તેને ત્રીજી માર્ચે ક્રોયડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. હાલ જામીન પર મુક્ત આરોપીને ઈનર લંડન ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે જેની તારીખ હજુ નિશ્ચિત થઈ નથી.


