લંડન: પૂર્વ કેબિનેટ મંત્રી સર જેમ્સ ક્લેવરલીને સત્તાવાર રીતે લંડનના મેયર પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત સાથે જ તેમણે રાજધાનીને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને રહેવા માટે પરવડે તેવું શહેર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
બ્રેઈનટ્રીના સાંસદ તરીકે ફરી ચૂંટણી નહીં લડવાની સ્પષ્ટતા કરતા સર જેમ્સે જણાવ્યું હતું કે, તેઓ મેયરની આ રેસમાં પૂરી તાકાતથી ઉતર્યા છે. સોશિયલ મીડિયા પર જે રીતે ચિતરવામાં આવે છે તેવું હિંસક નરક આ શહેર ભલે ન હોય, પરંતુ મેયર સાદિક ખાને લંડનવાસીઓને નિરાશ કર્યા છે.
એક લેખમાં સર જેમ્સે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, લંડને મને ઘડ્યો છે. મારો જન્મ લેવિશમમાં થયો, હું મારી પત્નીને ઈલિંગમાં મળ્યો, વૂલવિચમાં હું સેનામાં જોડાયો અને શોરડિચમાં મેં મારો વ્યવસાય શરૂ કર્યો. મેં લંડન એસેમ્બલીમાં બેક્સલી અને બ્રોમલીનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. મારી કહાણી એ લંડનની જ કહાણી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મારો અભિપ્રાય કદાચ પક્ષપાતી હોઈ શકે, પરંતુ મારા મતે આ હજુ પણ પૃથ્વી પરનું શ્રેષ્ઠ શહેર છે. એટલે જ તેની આજની સ્થિતિ જોઈને મારું હૃદય દ્રવી ઉઠે છે, અને તેમાં સુધારો લાવવા માટે જ હું મેયર પદની ચૂંટણી લડી રહ્યો છું. આગામી અઢાર મહિનામાં હું તમને બતાવીશ કે આપણે લંડનના રસ્તાઓ પર લોકોને કેવી રીતે સુરક્ષિત મહેસૂસ કરાવીશું અને આ શહેરને ફરીથી એવું બનાવીશું જ્યાં દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ઘડી શકે.


