લંડનઃ લંડનમાં માઝા મૂકી રહેલા અપરાધને મુદ્દો બનાવી મેયરપદની ચૂંટણીમાં રિફોર્મ યુકે પાર્ટીએ સર સાદિક ખાન સામે લૈલા કનિંગહામને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા નાઇજલ ફરાજે 2028માં યોજાનારી લંડનના મેયરપદની ચૂંટણીમાં પૂર્વ પબ્લિક પ્રોસિક્યુટર કનિંગહામને ઉતારવાની જાહેરાત કરી હતી.
કનિંગહામે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, લંડનવાસીઓની સુરક્ષા મેયરની પહેલી ફરજ છે. જો હું મેયર તરીકે ચૂંટાઇ આવીશ તો પોલીસની સંખ્યા વધારીશ અને અપરાધિક વલણ સામે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે. ટાઉનમાં નવા શેરિફ નિમાશે અને અપરાધ સામે પૂર્ણકક્ષાનું યુદ્ધ છેડાશે.
7 સંતાનની માતા કનિંગહામ હાલ રિફોર્મ યુકેના કાઉન્સિલર છે અને ગયા વર્ષે લંડનમાં નાઇફ ક્રાઇમના મુદ્દા પર કન્ઝર્વેટિવ પાર્ટી સાથે છેડો ફાડી રિફોર્મ યુકેમાં સામેલ થયાં હતાં.


