લંડનના લોહાણાઃ વર્તમાનનું ગૌરવ અને ઉજ્જવળ ભાવિનો ઉત્સાહ

સુભાષ વી. ઠકરાર, B Com, FCA, FRSA Wednesday 21st September 2016 06:41 EDT
 
 

લંડનઃ યુકેના લોહાણાઓ વિશે એશિયન વોઈસમાં મારો લેખ તમારામાંથી ઘણાએ વાંચ્યો હશે, જેમાં લોહાણાઓના ભવ્ય ઈતિહાસ અને લંડનમાં તેમની ઉપસ્થિતિ તરફ દોરી જતી પશ્ચાદભૂને આવરી લેવાઈ હતી. આજે ભારતની બહાર લોહાણાની સૌથી વધુ વસ્તી લંડનમાં જોવા મળે છે.

લંડનસ્થિત આપણા લોહાણાઓની વસ્તી ભારત (મુખ્યત્વે ગુજરાત), કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, માલાવી, સાઉથ આફ્રિકા, ઝામ્બિયા અને અન્ય આફ્રિકન દેશો સહિત વિશ્વના અલગ અલગ વિસ્તારોમાંથી આવી છે. એ આપણું સદ્ભાગ્ય છે કે આપણે સહુ અહીં સાથે છીએ. આપણે આ માટે આપણી કર્મભૂમિ રાષ્ટનો આભાર માનવો જોઈએ. તેણે આપણને નવા મિત્રો અને સંબંધો બનાવવાની તક આપી છે, જે આપણે જે તે દેશોમાં રહેતા હોય તો શક્ય બની શક્યું ન હોત.

વર્તમાન લંડનના લોહાણાબંધુઓ દરેક અર્થમાં સમૃદ્ધ બન્યાં છે. આપણે દીર્ઘ આયુષ્ય ધરાવીએ છીએ- આપણા ઘણા મિત્રો અને પરિવારજનો તંદુરસ્તી સાથે તેમના જીવનના સાત કે આઠ દસકમાં જીવે છે તે તમે જોયું જ હશે. યુગાન્ડામાં વસતા એક બાળક તરીકે મને યાદ છે કે સામાન્ય વૃદ્ધ વય ૫૫ વર્ષની આસપાસ હતી. તે જોતા આપણે ૨૦ વર્ષનું વધુ આયુષ્ય મેળવ્યું છે!

આપણી લોહાણા પ્રજાએ બિઝનેસ તેમજ અન્ય વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. બિઝનેસ તો કુદરતી રીતે આપણા લોહીમાં વણાયો છે. આપણા ધંધાકીય હિતો રિયલ એસ્ટેટ, હોટેલ્સ, નર્સિંગ હોમ્સ, ફાર્માસ્યુટિકલ્સ, જથ્થાબંધ અને રીટેઈલ વેપાર તથા અન્ય ધંધાઓમાં વિસ્તરેલાં છે. આપણા પ્રોફેશનલ્સે એકાઉન્ટિંગ, કાયદાક્ષેત્ર, મેડિસિન, આર્કિટેક્ટર અને બેન્કિંગ ક્ષેત્રોમાં નામ રોશન કર્યું છે. આપણે તેમની સિદ્ધિઓ બદલ ગૌરવ અનુભવીએ છીએ. બે વર્ષ અગાઉ પાર્લામેન્ટના બન્ને ગૃહોમાં યુકેના ઈમિગ્રન્ટ જૂથો સંબંધે ચર્ચા ચાલતી હતી. યુગાન્ડાના એશિયનો અને મુખ્યત્વે લોહાણા બ્રિટિશ ઈતિહાસમાં શ્રેષ્ઠ ઈમિગ્રન્ટ જૂથ તરીકે બહાર આવ્યા હતા. આથી, પોતાની કાળજી લેવાનું ગૌરવ અનુભવતા લોહાણાઓના મૂલ્યો અને પ્રથાઓનું પ્રતિબિંબ છે. આપણે સરકારી લાભો પર ઓછો આધાર રાખીએ છીએ, ટેક્સીસ દ્વારા દેશને ફાળો આપીએ છીએ અને સરકારી નાણાલાભ પર તો કદી આધારિત રહેતા નથી. સ્વરોજગાર અને પરિવારની કાળજી લેવાનું તો આપણા લોહીમાં છે. આ મૂલ્યો આપણી લડાયક પશ્ચાદભૂમાંથી ઉદ્ભવ્યાં છે.

લોહાણા પ્રજાની સૌથી નોંધપાત્ર સિદ્ધિ (જે પણ લડાયક પ્રજાનો ગુણ છે) જરુરિયાતમંદો પ્રત્યે ઉદારતા દર્શાવવાની છે. લોહાણાઓમાં પરોપકારની વૃત્તિએ વિવિધ રીતે મજબૂત મૂળિયાં નાખ્યાં છે. આજે આપણા લોહાણાઓ સનાતન મંદિરો, સ્વામીનારાયણ મંદિરો, શિરડી સાઈ સંસ્થાનો, અનુપમ મિશન અને જલારામ મંદિર જેવી વિવિધ સંસ્થાઓમાં અગ્ર છે. નરેન્દ્રભાઈ ઠકરાર સનાતન મંદિરનું વડપણ કરે છે, સતીશ ચટવાણી અનૂપમ મિશન સંભાળે છે, પ્રકાશ ગંડેચા અને પ્રમોદ ઠક્કર જલારામ મંદિરોનો કાર્યભાર સંભાળે છે અને વિનુભાઈ ભટ્ટેસા સ્વામીનારાયણ મંદિરમાં ટ્રસ્ટી છે. દિનેશ ઠકરાર અને અશોક ભગાણી સાઈબાબા સંસ્થાનનું વડપણ સંભાળે છે.

સખાવતી દાનકાર્યની વાત હોય ત્યારે તો આપણે મોખરે જ રહીએ છીએ. આવી જ એક ઉદારતાનું દર્શન સમૂહ લગ્ન જેવા પ્રોજેક્ટ્સમાં સમર્થનમાં થાય છે, જ્યાં મનુભાઈ અને અમૃતલાલ રાડિયા જેવા લોહાણા ભારતમાં એક સાથે ૧૦૦ યુગલના લગ્ન કરાવવામાં નિયમિત મદદ કરતા રહે છે. અન્યથા મોટા ભાગના આવા લોકો પાસે લગ્ન કરવા માટે કોઈ સાધન હોતું નથી. ઘણા લોહાણાઓ ભોજનશિબિરો, મેડિકલ કેમ્પ્સ અને શિક્ષણના પ્રોજેક્ટસને મદદ કરતા રહે છે. આપણે સામાજિક અને ચેરિટેબલ હેતુઓ માટે સમય અને નાણા આપવા સદા તત્પર રહીએ છીએ.

આપણા સમુદાયની સિદ્ધિઓનો આપણને ગર્વ છે. આજે લંડનમાં લોહાણાઓ માટે RCT સેન્ટર અને લોહાણા ધામેચા સેન્ટર, એમ બે સેન્ટર છે. આપણે વધુ ભવ્ય કોમ્યુનિટી સેન્ટરો માટે સ્વપ્ન પણ સેવી શકીએ, પણ આપણી કોમ્યુનિટી ઉપયોગ કરી શકે તેવું તો આપણી પાસે છે.

બિઝનેસ મોરચે, આપણી પાસે ધામેચા, માધવાની, મહેતા, સચદેવ, નાગ્રેચા, ચટવાણી, ચોટાઈ અને અન્ય ઘણા અગ્રણી નામો છે.

કોમર્સના ક્ષેત્રે, મને સળંગ ૩ વર્ષથી લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન તરીકે ચૂંટાઈ આવવાનું સદનસીબ સાંપડ્યું છે. મેં કોમનવેલ્થ એજ્યુકેશન બોર્ડ અને થેમ્સ રીજિયન વોટર રેગ્યુલેટર OFWATમાં પણ સેવા આપી છે. હું વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમના ઈન્ટરનેશનલ બોર્ડમાં પણ સેવા આપી રહ્યો છું.

આપણે રાજકારણના ક્ષેત્રમાં પણ પગપેસારો કર્યો છે. આપણા લોર્ડ ડોલર પોપટ પાર્લામેન્ટના ઉપલા ગૃહમાં છે અને મિનિસ્ટર કક્ષાનું પદ સંભાળે છે. ભરત ઠક્કર તેમજ કિશુન દેવાણી અને રેશમ કોટેચા જેવા ઉગતા સિતારા કાઉન્સિલર તરીકે કાર્ય કરે છે. હા, વધુ લોહાણા બ્રિટિશ પોલિટિક્સમાં આવે તેવી જરુર છે.

આપણી પાસે સુનિલ ગઢિયા જેવા પ્રખર ધારાશાસ્ત્રીઓ અને ભીખુ કોટેચા જેવા મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સ છે. એકાઉન્ટિંગ વ્યવસાયમાં અનુજ ચંડે જેવા સીનિયર્સ છે. બેન્કર્સમાં તુષાર મોરજારિઆ અને જિતેશ ગઢિયા જેવા નામ છે.

સ્પોર્ટ્સમાં આપણે હજુ સારી પ્રગતિ સાધવાની જરુર છે અને હું માનું છું કે આપણી ભાવિ પેઢી આ પરિદૃશ્યમાં રચનાત્મક પરિવર્તન લાવશે.

ગત ૩૦-૪૦ વર્ષ દરમિયાન આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા પાછળ શ્રેષ્ઠ સ્રોતો સમર્પિત કર્યા છે, જે આપણા માટે ગૌરવશાળી પળોમાં એક છે. આ બાળકો હવે તેમના સંબંધિત બિઝનેસ અથવા પ્રોફેશનર ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરોએ આગળ વધી રહ્યાં છે. આવનારા સમયમાં આ યુવાન લોહાણાઓ ઉચ્ચ હોદ્દાઓ પર હશે તે આપણે નિહાળીશું. આ ઉપરાંત, આ યુવા પેઢી આધ્યાત્મિકતા અને યોગને પણ ગળે લગાળશે તેના આપણે સાક્ષી હોઈશું. મને ખાતરી છે કે આવનારા સમયમાં લોહાણાઓની વધુ સારી ઉત્કૃષ્ટતા આપણને જોવાં મળશે.

હસુ માણેક અને મેં લોહાણાઓ વિશે વિસ્તૃત અભ્યાસ-સંશોધન કરવા માટે નેધરલેન્ડ્સ યુનિવર્સિટીના ઈતિહાસના વિદ્વાન પ્રોફેસર ઉન્કની સેવાઓ લીધી છે. અમે આશા રાખીએ છીએ કે આપણે યોગ્ય સમયમાં વધુ ઐતિહાસિક બેકગ્રાઉન્ડ જાણી શકીશું.

આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેનું મને ભારે ગૌરવ છે અને મહત્ત્વની બાબત એ પણ છે કે આવનારા સમયમાં આપણી પ્રગતિ સંબંધે ભારે ઉત્સાહ અને રોમાંચ પણ છે.

(સુભાષ ઠકરારનો સંપર્ક [email protected] પર ઈમેઈલ દ્વારા કરી શકાશે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter